કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ‘નિ:શુલ્ક આહાર કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના હસ્તે આજે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે દર્દીઓના સગા-સબંધીઓને કેમ્પસમાં જ ગુણવતાયુક્ત ભોજન મળી રહે તેવા ઉમદા હેતુથી ‘નિ:શુલ્ક આહાર કેન્દ્ર’નો શુભારંભ કરાવામાં આવ્યો હતો.
અમિત શાહે ભોજનશાળાની રૂબરૂ મુલાકાત કરી
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભોજનશાળાની રૂબરૂ મુલાકાત કરી તેમાં તૈયાર કરવામાં આવતા ભોજન સહિતની વિવિધ સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને દર્દીઓના સગાઓ સાથે સંવાદ કર્યો હતો.
દર્દીઓના સગાઓ માટે ‘નિ:શુલ્ક આહાર કેન્દ્ર’નો પ્રારંભ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પ્રેરણાથી તુલસી વલ્લભ નિધિ દ્વારા શરૂ કરાયેલા આ નિ:શુલ્ક ભોજન કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા-સબંધીઓને સપ્તાહ દરમિયાન બે ટાઈમ અનલિમિટેડ પૌષ્ટિક ભોજન મળી રહેશે. આ આહાર કેન્દ્રમાં સવારે એટલે કે 11થી બપોરે 1 કલાક દરમિયાન સ્વાદિષ્ટ ભોજનમાં રોટલી, શાક અને દાળ-ભાત તેમજ સાંજે 6 થી 7.30 કલાક દરમિયાન કઢી અને ખીચડી પીરસવામાં આવશે.
આ અધિકારીઓ રહ્યા હાજર
નિ:શુલ્ક આહાર કેન્દ્ર લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ,ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સિવિલ હોસ્પિટલના તબીબો-કર્મચારીઓ સહીત દર્દીઓના સગાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ફિલ્મી પડદે જોવા મળશે મહાઠગ સુકેશ અને જેકલીન ફર્નાન્ડિસની લવ સ્ટોરી, ફિલ્મ બનાવવાની તૈયારી