દિલ્લી AIIMS બાદ જલ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક
તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નાં ટ્વિટર એકાઉન્ટ બાદ આજે ફરી વધુ એક કેન્દ્રિય મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. ભારતીય કેન્દ્રિય મંત્રાલય જલ શક્તિનું ટ્વિટર એકાઉન્ટ આજે સવારે હેક થયું છે. સુરક્ષા એજન્સી અને સાયબર નિષ્ણાતોએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : ભારત, રશિયા, અમેરિકા સહિત 84 દેશોના 500 મિલિયન Whatsapp યુઝર્સનો ડેટા લીક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિપ્ટો વોલેટને પ્રમોટ કરતી એક ટ્વિટ સૌથી પહેલા સવારે 5:38 વાગ્યે જલ શક્તિ મંત્રાલયના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી અને મંત્રાલયના એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર કે જેમાં ભારતીય ધ્વજ હતો, તે પણ દેખાતો નહોતો.
હેકર્સે 80 થી વધુ ટ્વીટ કર્યા
જલ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થતાં હેકર્સે 80 થી વધુ ટ્વિટ કરી હતી, જેમાં હેકર્સે સ્વચ્છ ભારત અને અન્ય મંત્રાલયોને ટેગ કરતા અનેક ટ્વિટ કર્યા હતા. પોસ્ટ કરેલા ટ્વીટ્સમાં કેટલાક સંભવિત બોટ એકાઉન્ટ્સ અને કેટલાક વાસ્તવિક એકાઉન્ટ્સને પણ ટેગ કરવામાં આવ્યા હતા. કેટલીક ટ્વીટ્સમાં પાકિસ્તાની એકાઉન્ટ્સને પણ ટેગ કરવામાં આવ્યા હતા અને તેમાં ક્રિપ્ટો-આધારિત ટ્વિટર એકાઉન્ટ્સની લિંક્સ હતી.
જલ મંત્રાલયે હેકિંગની કરી પુષ્ટિ
મંત્રાલયે હેકિંગ હુમલાની પુષ્ટિ કરી છે. હેકિંગ અંગે મંત્રાલયે કોઈ પણ ઔપચારિક નિવેદન આપ્યું નથી, પરંતુ, જલ મંત્રાલય ટ્વિટર એકાઉન્ટ પર હેકર દ્વારા કરાયેલ તમામ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી કોઈ હેકર ગ્રુપે આ હેકિંગની જવાબદારી લીધી નથી.