ગુજરાતનેશનલહેલ્થ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન

Text To Speech

ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે તા. 5, 6, અને 7 મે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર, કેવડિયા ખાતે ભારત સરકારની 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય ત્રિ-દિવસીય ચિંતન શિબિર-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલ 13 સ્વાસ્થ્ય ચિંતિન શિબિરનું દિલ્હી ખાતે આયોજન થયુ હતુ. પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી –કેવડીયા ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય ત્રિ-દિવસીય ચિંતનનું આયોજન થઇ રહ્યું છે.

PM મોદીના માર્ગદર્શન અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના વડપણ હેઠળ યોજાનાર આ રાષ્ટ્રિય ચિંતન શિબિરમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીશ્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવો, અધિક આરોગ્ય સચિવો, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો, આરોગ્ય કમિશનરો તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના મિશન ડાયરેક્ટર શિબિરમાં જોડાશે.ત્રિદિવસીય આ ચિંતન શિબિરના પ્રથમ દિવસે ઉદઘાટન સત્રમાં રજીસ્ટ્રેશન, સ્વાગત, પરિચય વિધિ બાદ દરેક રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા અને સમીક્ષા થશે.

 ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે

સાંજે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ થિમેટિક સેશનમાં ‘કો.ઓપરેશન અને કો.ઓર્ડીનેશન હેલ્ધી સ્ટેટ્સ – હેલ્ધી નેશન’ એ વિષય ઉપર વિગતવાર ચર્ચા થશે.બીજા સેશનમાં ‘એફોર્ડેબલ અને ઍક્સિસેબલ હેલ્થકેર ફોર ઓલ’ એ વિષય ઉપર મંથન થશે સાથે સાથે રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા-સમીક્ષા પણ થશે.

ચિંતન શિબીરના સમાપન દિવસના પ્રથમ થિમેટીક સેશનમાં પ્રિપેરીંગ ઇન્ડિયા ફોર ફ્યુચર હેલ્થ ઇમર્જન્સીસ વિષય ઉપર છણાવટભરી ચર્ચા વિચારણા થશે તથા હિલ ઈન્ડિયા અને હિલ બાય ઇન્ડિયા વિષયની એક નવી થીમ લઈને ભારત અને વિશ્વની આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારણા માટેની અગત્યની ચર્ચા રાજ્યોના તજજ્ઞો સાથે થશે અંતિમ અને પાંચમા સેશનમાં સ્વસ્થ ભારત માટેનો રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર એ ભારત દેશના આરોગ્ય ક્ષેત્રને વધુ સુદઢ બનાવવા માટેની સર્વોચ્ચ સલાહકાર પરિષદ છે. જેની રચના ભારતીય બંધારણના આર્ટિકલ-263 હેઠળ કરવામાં આવી છે.

આ પરિષદ તબીબી અને જાહેર આરોગ્યના ક્ષેત્રોને લગતી નીતિઓ તથા કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે દેશના સામાન્ય પ્રજાજનોને ઝડપી અને સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓના લાભ મળે તેવી નીતિઓ અને કાર્યક્રમોના સઘન અને સુચારુ અમલીકરણ કરવા માટેના માર્ગો અને માધ્યમોના સૂચનો કરે છે.ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીના અધ્યક્ષપદે અને રાજ્યકક્ષાના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ઉપાધ્યક્ષપદે રચાયેલ આ પરિષદના સદસ્યોમાં નીતિ આયોગના સભ્ય તેમજ દેશના બધા જ રાજ્યોના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ તથા સંલગ્ન કેન્દ્રિય મંત્રાલયના સચિવો, આર્થિક સલાહકારો તેમજ આરોગ્ય ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને નામાંકિત મહાનુભાવોનો સમાવેશ થાય છે.

Back to top button