ગાંધીનગર, 15 માર્ચ 2024, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ થશે, જે આગામી 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે.
રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે
રાધવજી પટેલે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની કિંમતની 2,45,710 મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત 1765 કરોડની કિંમતના 3,24,530 મે. ટન ચણા અને 853 કરોડની કિંમતના 1,50,905 મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરાશે
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે 7000 પ્રતિ ક્વિ., ચણા માટે 5440 પ્રતિ ક્વિ. અને રાયડા માટે 5650 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃજાણો ગુજરાતના કયા ટોચના ઉદ્યોગોએ ચૂંટણી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન આપ્યું