આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ટ્રમ્પની ધમકી ખોખલી સાબિત થઇઃ અમેરિકામાં વેચાનારા 97 ટકા આઇફોન ભારતમાં બન્યા, બે મહિનામાં 27,000 કરોડની નિકાસ

નવી દિલ્હી, 14 જૂન, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ભારતમાં ઉત્પાદન કરવા સામે ધમકી આપી હોવા છતાં પણ અમેરિકામાં વેચાનારા એપલના 97 ટકા આઇફોન ભારતમાં બની રહ્યા છે. એપલે આ વર્ષે માર્ચથી મેની વચ્ચે ભારતમાંથી જેટલા પણ આઇફોનની નિકાસ કરી તેમાં 97 ટકા અમેરિકામાં મોકલવામાં આવ્યા હતા. મુલ્યની દ્રષ્ટિએ તેની કુલ કિંમત 27,000 કરોડ થવા જાય છે.

રિપોર્ટના અનુસાર, મે મહિનામાં જ ભારતમાંથી અમેરિકામાં લગભગ 8,600 કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરવામાં આવી છે. માર્ચ મહિનામાં આશરે 11,195 કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ પછી તે બીજા ક્રમે સૌથી વધુ છે. આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં ભારતમાંથી અમેરિકામાં 37,000 કરોડ રૂપિયાના આઇફોન મોકલવામાં આવ્યા છે. આ 2024માં લગભગ 32,000 કરોડ રૂપિયાની નિકાસ કરતાં વધુ છે. 2024 સુધીમાં, અમેરિકામાં વેચાયેલા આઇફોનમાંથી માત્ર 50 ટકા જ ભારતમાં બનાવવામાં આવતા હતા.

આ આંકડો 97 ટકા સુધી પહોંચી ગયો છે

હવે આ આંકડો 97 ટકા સુધી પહોંચી ગયો છે, જે ચીન પર લાદવામાં આવેલા ઊંચા યુએસ ટેરિફને ટાળવા માટે એપલના પ્રયાસોનો સ્પષ્ટ સંકેત છે. એપલે ભારતમાંથી તેની નિકાસનું પુનર્ગઠન એવી રીતે કર્યું છે કે તે હવે ફક્ત યુએસ બજારમાં જ તેના ઉત્પાદનોની નિકાસ કરશે. અગાઉ, નેધરલેન્ડ, ઝેચ રિપબ્લિક અને બ્રિટન જેવા દેશોમાં વધુ નિકાસ કરવામાં આવતી હતી. ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન ભારતમાં મુખ્ય આઇફોન ઉત્પાદકો છે.

આઇફોનના ભાવમાં વધારો થઈ શકે છે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પછી, એવી અટકળો ચાલી રહી છે કે આઇફોનના ભાવમાં નાટકીય રીતે વધારો થઈ શકે છે. આના કારણે, એપલના વેચાણ અને નફાને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, એમેઝોન, વોલમાર્ટ અને અન્ય મોટી કંપનીઓ સાથે એપલ પણ વ્હાઇટ હાઉસના નિશાના પર આવી ગઈ છે. વાસ્તવમાં, આ કંપનીઓ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી સર્જાયેલી અનિશ્ચિતતા અને ફુગાવાના દબાણનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ધમકી આપી હતી

નોંધનીય છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એપલને ધમકી આપી રહ્યા છે કે અમેરિકામાં વેચાતા આઇફોન ફક્ત અમેરિકામાં જ બનાવવામાં આવે. જો તેઓ ભારતમાં અથવા અમેરિકાની બહારના કોઈપણ દેશમાં આવું કરશે, તો તે એપલ પર ભારે પડશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે જો ટેકનોલોજી કંપની આવું નહીં કરે, તો એપલના ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવામાં આવશે. આ સાથે, ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ 1 જૂનથી યુરોપિયન યુનિયન પર ‘સીધો 50% ટેરિફ’ લાદશે. તે જ સમયે, ટ્રમ્પની આ ધમકીઓ પછી, યુએસ ફ્યુચર્સ અને વૈશ્વિક બજારોમાં ઘટાડો થયો હતો.

આ પણ વાંચોઃ અંજલિ બેને રડતાં રડતાં કહ્યું- મને વિજયનું મોઢું બતાવો, વિજયભાઈના છેલ્લા શબ્દો- અંજુ ફ્લાઈટમાં બેસી ગયો છું, કાલે આવું છું

Back to top button