
નેપાળ 10 ફેબ્રુઆરી 2026: ભારતના પાડોશી દેશ નેપાળમાં એક દુ:ખદ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્ય નેપાળમાં મંગળવારે એક પેસેન્જર બસ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આઠ અન્ય ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે બસ ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ ટીમ હાલમાં બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હાલમાં, 12 મૃતકોમાંથી 10 લોકોની ઓળખ થઈ ગઈ છે.
અકસ્માત સવારે 11 વાગ્યે થયો હતો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. બસ કાઠમંડુથી ઓખલધુંગા જઈ રહી હતી ત્યારે અચાનક બસ અકસ્માતનો ભોગ બની અને બાગમતી પ્રાંતના રામેછાપ નગરપાલિકામાં તામાકોશી નદીમાં પડી હતી. તામાકોશી નેપાળની રાજધાની કાઠમંડુથી 150 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. ધ હિમાલયન ટાઈમ્સ અનુસાર, મંથલી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કેશવ સિંહ ધામીએ જણાવ્યું હતું કે 12 મૃતકોમાંથી 10 મુસાફરોની ઓળખ થઈ ગઈ છે.
ઘાયલોની સારવાર ચાલુ છે
રામેછાપ પોલીસ ઇન્સ્પેક્ટર રાજન પ્રસાદ તિમિલસિનાએ જણાવ્યું હતું કે બસ અકસ્માતમાં ડ્રાઇવર સહિત આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર ખુરકોટની જીવન હોસ્પિટલ અને મંથલી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓ, સુરક્ષા કર્મચારીઓ અને બચાવ ટીમોએ ઘાયલોને અકસ્માત સ્થળેથી વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડ્યા. પોલીસે બસ ડ્રાઇવરની અટકાયત કરી છે. ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે શોધખોળ ચાલુ છે. અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ‘અમેરિકાએ અમને ટોયલેટ પેપરની જેમ વાપરીને ફેંકી દીધા’: ખ્વાજા આસિફ












