કાલે ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ : માતા ત્રિશલાદેવીને આવેલા 14 સ્વપ્નોની ઉછામણી થશે

તિર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીરનો જન્મ તો ખરેખર ચૈત્ર સુદ તેરસના થયેલ છે.પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ધર્મ સ્થાનકોમાં ભાવિકોની ઉપસ્થિતિ સવિશેષ હોય એટલે આચાર્ય ભગવંતોએ પર્યુષણ પર્વના પાંચમા દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવવાની પરંપરા ચાલુ કરેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા ત્રિલોકીનાથ વીર વર્ધમાન-મહાવીરનો આત્મા કર્મના સંયોગે ઋષભદત્ત બ્રાહ્મણના ઘેર માતા દેવાનંદાની કુક્ષિમાં 82 રાત્રિ રહ્યા બાદ દેવો દ્વારા ગર્ભનું સંહરણ થયું. માતા ત્રિશલાને અર્ધ જાગૃત અવસ્થામાં હાથી,દેવ વિમાન આદિ 14 મહા સ્વપ્ન આવ્યાં. ત્રિશલા માતાએ ધર્મ જાગરિકા કરતાં રાત વ્યતિત કરી અને સુપ્રભાત થતાં જ સિધ્ધાર્થ રાજાને સપનાની વાત કરી.રાજાએ કુશળ સ્વપ્ન પાઠકોને બોલાવી સપનાનું ફળ બતાવવા આજ્ઞા કરી. સ્વપ્ન પાઠકોએ કહ્યું હે, મહારાજા ધિરાજ ! તમારે આંગણે જગતનો નાથ, કરૂણાસાગર, સિંહ જેવો શૂરવીર, ચંદ્ર જેવો નિર્મળ,સૂર્ય જેવો ઓજસ્વી અને તેજસ્વી મહાપુરુષ અવતરશે.
માતા-પિતાએ ગુણ નિષ્પન એવું ‘વર્ધમાન’નામ રાખ્યું
માતા ત્રિશલાની કૂખે ગર્ભ ધારણ થતાં જ સારાયે ક્ષત્રિયકૂંડ નગરમાં ધન-ધાન્ય આદિ અપરંપાર વૃદ્ધિ થવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં જ ચૈત્ર સુદતેરસના દેવાધિદેવનો જન્મ થયો. 64 ઈન્દ્રો,56 દિશા કુમારીકાઓ તથા મનુષ્ય લોકના માનવીઓએ જન્મ કલ્યાણક મહોત્સવ આનંદોલ્લાસ પૂર્વક ઉજવ્યો. ત્રણે લોકમાં પ્રકાશ – અજવાળા પથરાઈ ગયાં. માતા-પિતાએ ગુણ નિષ્પન એવું ‘વર્ધમાન’નામ રાખ્યું. જૈનાગમ સૂયગડાંગ સૂત્ર અધ્યયન 6,અનુસાર ભગવાન મહાવીરના વીર,વર્ધમાન,સન્મતિ, વૈશાલિક,જ્ઞાત પુત્ર વગેરે નામોલ્લેખ છે.
તપસ્વીઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ
પ્રભુ મહાવીર કહે છે માનવનો ભવ એટલે અનંતા ભવોનો અંત કરવાનો ભવ : પ્રભુના સમવસરણની રચના દેવો કરે છે.પ્રભુના ઈન્દ્રભૂતિ આદિ 11 ગણધર ભગવંતો હતાં. કહેવાય છે પ્રભુ આ ગણધર ભગવંતોને ત્રિપદી આપે અને ગણધરો તેમાથી અંગસૂત્રોની રચના કરે,ગ્રંથસ્થ કરે.પરમાત્મા 1008 ઉત્તમ લક્ષણોના ધારક હોય,8 પ્રતિહાર્ય હોય 34 અતિશયો તેમજ 72 કલાઓમાં પ્રવિણ હોય. જૈનાગમ સુયગડાંગ સૂત્રમા આગમકાર ભગવંતોએ ફરમાવ્યુ કે, દાનમાં અભયદાન, તપમાં બ્રહ્મચર્ય, ઉપવનોમાં નંદનવન, ધ્વનિઓમાં મેઘ ધ્વનિ, હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ, નદીઓમાં ગંગા તેમ મુનિઓમાં, જ્ઞાનીઓમાં, તપસ્વીઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતાં.
ત્યારે કોઈ જીવાત્મા પ્રાર્થના કરે કે હે પ્રભુ ! માત્ર બે ઘડીનું આપનું આયુષ્ય વધારી અમારી ઉપર કૃપા કરો.આ સાંભળી ત્રિલોકીનાથ પ્રત્યુત્તર આપે કે ન ભૂતો, ભવિષ્યતિ, ન અઠ્ઠે, ન સમઠ્ઠે અર્થાત્ ભૂતકાળમાં આવું કદી થયું નથી,ભવિષ્યમાં કદી થશે નહીં. મૃત્યુને પાછુ ઠેલવવામાં કોઈ સમર્થ નથી.આસો વદ અમાસના પ્રભુનો આત્મા આઠેય કર્મોથી મુક્ત થઈ 72 વર્ષનું આયુષ્ય પરીપૂર્ણ કરી અનંતા સિદ્ધ ભગવંતોની સાથે જયોતમાં જયોત મિલાવી નિર્વાણ પામી સિદ્ધ, બુધ્ધ અને મુક્ત થયા.
માતા ત્રિશલાદેવીને આવેલા 14 સ્વપ્નોનું મહાત્મય
માતા ત્રિશલાને સપના આવ્યા બાદ ધર્મ જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાર્થને કરે છે.રાજા રાજ્યના કૂશળ-વિદ્વાન સ્વપ્ન પાઠકોને બોલાવી તેના અર્થને જાણે છે.
(1) હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિર્ભય થઇને વિચરશે.
(2) ઋષભ : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય-કષાયરૂપી કાદવ-કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.
(3) સિંહ : આ શુરવીર પુત્ર સિંહની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર-નિર્ભય બનીને વિચરશે.
(4) લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્ર્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે.
(5) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધર્મ સમજાવી તીર્થની સ્થાપના કરશે.
(6) ચંદ્ર : હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.
(7) સૂર્ય: આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી,દીપક અને સૂર્ય સમાન તેજસ્વી-ઓજસ્વી બનશે.
(8) ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર-સુદૂર ફેલાશે.
(9) કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે.
(10) પદ્મસરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.
(11) ક્ષીર સમુદ્ર: હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.
(12) દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.
(13) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.
(14) અગ્નિ : હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર તીથઁકર બનશે.











