આજે વિનાયક ચતુર્થીઃ રચાઇ રહ્યો છે વિશેષ યોગ
ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે એટલે કે આજે 25મી માર્ચના રોજ ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થી છે. ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થીનું ખુબ મહત્ત્વ છે, કેમકે આ વ્રતમાં વિધ્નહર્તાની પુજાની સાથે માં દુર્ગાની ચોથી શક્તિ માં કુષ્માંડાની પણ આરાધના થાય છે. આપણે ત્યાં દરેક શુભ કાર્ય પહેલા ગણપતિની પૂજા કરવામાં આવે છે, પરંતુ મહિનામાં બુધવાર સિવાય કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવાનો નિયમ છે.
કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે, જ્યારે વિનાયક ચતુર્થી શુક્લ પક્ષમાં આવે છે. જે લોકો વિનાયક ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગજાનનના વિનાયક સ્વરૂપની પૂજા કરે છે એમને સુખ, શાંતિ, આર્થિક સમૃદ્ધિ તેમજ જ્ઞાન અને બુદ્ધિ મળે છે. વિનાયક ચતુર્થીના દિવસે કરવાથી ગણેશજીની પુજા કરવાથી બાપ્પા ખુબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ગ્રહોની પીડામાંથી પણ મુક્તિ મળે છે.
રચાઇ રહ્યો છે વિશેષ યોગ
ચૈત્ર માસમાં વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે અને આ રવિ યોગમાં સૂર્યની અસર વધુ હોય છે, તેથી આ યોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેમાં સૂર્યની પવિત્ર ઉર્જા પ્રચુર માત્રામાં હોવાથી આ યોગમાં કરવામાં આવેલા કાર્ય અનિષ્ટનો નાશ કરે છે અને શુભ ફળ આપે છે. આ દિવસે રવિ યોગ સવારે 06.20 થી બપોરે 1.19 વાગ્યા સુધી રહેશે.
ચંદ્ર દર્શન વર્જિત, ભદ્રાનો સાયો
વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન વર્જિત માનવામાં આવે છે. પંચાંગ અનુસાર સવારે 11 થી બપોરે 1.41 સુધી ગણેશપુજાનો સમય છે. ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થી પર ભદ્રાનો સાયો પણ રહેશે. 25 માર્ચ ભદ્રાની શરૂઆત સવારે 4.35 મિનિટ પર થશે અને તેનુ સમાપન સાંજે 4.23 વાગ્યે થશે. ભદ્રા નક્ષત્રને અશુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં માંગલિક કાર્યો કરાતા નથી, પરંતુ ગણપતિ બાપ્પાની પુજામાં કોઇ અવરોધ નથી.
આ પણ વાંચોઃ નવરાત્રિના ઉપવાસનું કેમ છે મહત્ત્વ? શું કહે છે સાયન્સ?