પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ, જાણો કેટલા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન?
- પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39 બેઠકો ઉપરાંત રાજસ્થાનની 12 અને ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર મતદાન થશે
નવી દિલ્હી, 17 એપ્રિલ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો ધમધમાટ આજે બુધવારે સાંજે સમાપ્ત થઈ જશે કારણ કે 19 એપ્રિલને શુક્રવારે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. ચુંટણીના આ પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39 બેઠકો ઉપરાંત રાજસ્થાનની 12 અને ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર મતદાન થશે. આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે આસામ પહોંચ્યા હતા અને હવે ત્રિપુરા જઈ ચૂંટણી જંગમાં ઉતરશે.
પ્રથમ તબક્કા કયા-ક્યા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન થશે?
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે આ તબક્કા વિશે વાત કરવામાં આવે તો દેશના 17 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં તમિલનાડુની તમામ 39 અને ઉત્તરાખંડની તમામ 5 બેઠકો પર મતદાન યોજાશે જ્યારે રાજસ્થાનની 25 બેઠકોમાંથી 12 અને ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી 8 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી 6, મહારાષ્ટ્રની 48માંથી 5, આસામની 14માંથી 5, બિહારની 40માંથી 4 અને પશ્ચિમ બંગાળની 42માંથી 3 બેઠકો પર મતદાન થશે. છત્તીસગઢની 11 બેઠકોમાંથી 1, જમ્મુ-કાશ્મીરની 5 બેઠકોમાંથી 1,ત્રિપુરાની 2માંથી 1 તેમજ અરુણાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાલયમાં રહેલી માત્ર 2 બેઠક પર મતદાન થશે. આ સિવાય માત્ર 1 બેઠક સાથે મિઝોરમ,નાગાલેન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, પુડુચેરી, આંદામાન-નિકોબારમાં પણ મતદાન યોજાશે.
આસામના નલબારીમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના નલબારીમાં જનસભાને સંબોધિત કરીને અયોધ્યાના રામનવમી ઉત્સવનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, “આજે રામ નવમીનો ઐતિહાસિક અવસર છે. 500 વર્ષની રાહ જોયા બાદ ભગવાન રામ અંતે તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે.”
PM મોદીએ વધુમાં કહ્યું કે, “NDA સરકારની યોજનાઓમાં કોઈ ભેદભાવ નથી. આમાં દરેક નાગરિકની પ્રગતિ અને ઉત્થાન સમાયેલું છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી.”
ચૂંટણી બોન્ડએ વિશ્વની સૌથી મોટી છેતરપિંડીની યોજના: રાહુલ ગાંધી
આજે પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રથમ છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “વડાપ્રધાન કહે છે કે ચૂંટણી બોન્ડની સિસ્ટમ પારદર્શિતા લાવવા અને રાજકારણને સાફ કરવા માટે લાવવામાં આવી હતી. જો આ સાચું છે તો સુપ્રીમ કોર્ટે તે સિસ્ટમને કેમ રદ કરી અને બીજું જો તમે પારદર્શિતા લાવવા માંગતા હોવ તો તમે શા માટે કર્યું? ભાજપને પૈસા આપનારના નામ કેમ છુપાવો છો? વડાપ્રધાન ભલે ગમે તેટલી સ્પષ્ટતા કરે, પરંતુ તેનાથી કોઈ ફરક નહીં પડે કારણ કે આખો દેશ જાણે છે કે વડા પ્રધાન ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે.”
આ પણ જુઓ: એમપીના સૌથી ધનાઢ્ય ઉમેદવારે ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી પોતાની સંપત્તિ, હાલમાં છે કેન્દ્રીય મંત્રી