આજે ભારતીય નૌકાદળ દિવસ, જાણો ભારતીય નૌકાદળનો ઈતિહાસ
- ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.
- નૌકાદળના ગૌરવ અને સિદ્ધિઓ દર્શાવવા માટે ભારતમાં નૌકાદળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: આજે ભારતીય નૌકાદળ દિવસ (NAVY DAY) છે. ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. નૌકાદળના ગૌરવ અને સિદ્ધિઓ દર્શાવવા માટે ભારતમાં નૌકાદળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય નૌકાદળના કમાન્ડર ઇન ચીફ તરીકે તેનું નેતૃત્વ રાષ્ટ્રપતિ કરે છે.
આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે
દર વર્ષે નૌકાદળ દિવસ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધને યાદ કરવામાં આવે છે અને તેને ભારતીય નૌકાદળની અવિસ્મરણીય જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાએ ભારતીય એરસ્પેસ અને સરહદી વિસ્તારોમાં તેના ફાઇટર પ્લેન દ્વારા ભારત પર હુમલો કર્યો હતો. ત્યારે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને જવાબ આપવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. 4 ડિસેમ્બર 1971 ના રોજ ભારતીય નૌસેનાએ ઓપરેશન ટ્રાઇડેન્ટ હેઠળ પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં પ્રથમ વખત એન્ટી શિપ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ યુદ્ધ 7 દિવસ સુધી ચાલ્યું હતું
આ દરમિયાન ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના ઘણા જહાજો અને ઓઈલ ડેપોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધા હતા. આ યુદ્ધ લગભગ સાત દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં આગની જ્વાળાઓ 60 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી. ત્રણ નૌકાદળો, INS મિસાઇલ, INS નિરહત, INS વીર અને INS નિપતે આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નૌસેના એડમિરલ એસએમ નંદાના નેતૃત્વમાં ઓપરેશન ટ્રાઇડેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 25મી સ્ક્વોડ્રન કમાન્ડર બબરુ ભાન યાદવને આ કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી.
ભારતમાં નૌકાદળ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?
નૌકાદળ દિવસ ભારતમાં ઘણા દિવસો સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું આયોજન મુખ્યત્વે વિશાખાપટ્ટનમમાં નૌસેના કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. ભારતીય નૌકાદળની પશ્ચિમી નૌસેના કમાન્ડ, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે તેના જહાજો અને ખલાસીઓની ખૂબ જ પ્રભાવશાળી ટુકડી દ્વારા તેમની બહાદુરી અને ગૌરવ પ્રદર્શિત કરે છે. આરકે બીચ પર સ્થિત યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને સમારોહની શરૂઆત થાય છે. યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી નૌકાદળના સબમરીન, એરક્રાફ્ટ અને જહાજોનું પ્રદર્શન કરવામાં આવે છે.
કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, અમારા બહાદુર નેવી કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ અને હાર્દિક શુભેચ્છાઓ. ભારતીય નૌકાદળ સ્થિતિસ્થાપકતા, ખંત અને બહાદુરીનું પ્રતીક છે. દરેક ભારતીય આપણા દેશને દરિયાઈ સુરક્ષા પ્રદાન કરવામાં તેમની ઉત્કૃષ્ટ સેવા અને નિષ્ઠા માટે નૌકાદળને આભારી છે.
On #NavyDay2023, greetings and warm wishes to our courageous Navy personnel and their families. Indian Navy epitomises resilience, diligence and bravery. Every Indian is grateful to our Navy for their outstanding service and devotion in providing maritime security to our country.… pic.twitter.com/zoMFXuIESU
— Rajnath Singh (@rajnathsingh) December 4, 2023
ભારતીય નૌકાદળનો ભવ્ય ઇતિહાસ
ભારતીય નૌકાદળ, જે દરિયાઈ સરહદોનું રક્ષણ કરે છે, તે દેશની સૈન્ય શક્તિનો ખૂબ જ શક્તિશાળી અને મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય નૌકાદળનો ઈતિહાસ ભવ્ય છે અને સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે ભારતીય નૌકાદળની રચના સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જોકે તેને આગળ લઈ જવાનું કામ અંગ્રેજોએ કર્યું હતું.
ઈતિહાસ પર નજર કરીએ તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1612માં નૌકાદળની રચના કરી હતી. 1686માં તેનું નામ ઈસ્ટ ઈન્ડિયા મરીનથી બદલીને બોમ્બે મરીન કરવામાં આવ્યું. 1830માં બોમ્બે મરીનનું નામ બદલીને હર મેજેસ્ટીઝ ઈન્ડિયન નેવી રાખવામાં આવ્યું. બાદમાં 1892માં તેનું નામ રોયલ ઈન્ડિયન નેવી રાખવામાં આવ્યું. ભારતની આઝાદી પછી, તેનું નામ 1950 માં બદલીને ભારતીય નૌકાદળ કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજીના સમયથી બ્રિટિશ શાસન સુધી ભારતીય નૌકાદળના યોગદાનને સમગ્ર વિશ્વ હંમેશા યાદ કરે છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ ભારતીય નૌસેનાએ પોતાની હાજરીથી સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું.
નૌકાદળનો ધ્વજ બદલવામાં આવ્યો હતો
2 સપ્ટેમ્બર 2022ના રોજ નૌકાદળનો ધ્વજ બદલવામાં આવ્યો અને ભારતીય નૌકાદળને નવી ઓળખ મળી હતી. નૌકાદળના નવા ધ્વજમાંથી અંગ્રેજોનું લાલ ક્રોસનું પ્રતીક હટાવી દેવામાં આવ્યું હતું. નવા ધ્વજમાં ત્રિરંગો અને અશોક સ્તંભનું સ્થાન લીધું છે. એ જ દિવસે દેશના નવા એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજ વિક્રાંતને પણ નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે. નેવી ચીફ આર હરિકુમારના જણાવ્યા અનુસાર, INS વિક્રાંતથી એરક્રાફ્ટ ઓપરેશન આવતા વર્ષે મે-જૂનથી શરૂ થવાની સંભાવના છે.
પીએમ મોદી સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસના સમારોહમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ‘નૌકાદળ દિવસ 2023’ સમારોહમાં ભાગ લેશે. તેમજ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ ઉપરાંત ભારતીય નૌકાદળના જહાજો અને વિશેષ દળોની તાકાતનું પ્રદર્શન પણ જોશે. પીએમ મોદી સિંધુદુર્ગના તારકરલી બીચ પરથી ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળોનું પ્રદર્શન જોશે.
ભારતીય નૌકાદળની તાકાત
1612માં સ્થાપિત ભારતીય નૌકાદળના વડા દેશના રાષ્ટ્રપતિ છે. આ સેના પરમાણુ યુદ્ધ, સીલિફ્ટ, ફોર્સ પ્રોજેક્શન અને નૌકા યુદ્ધને રોકવા માટે બનાવવામાં આવી છે. હાલમાં ભારતીય નૌકાદળમાં 67 હજાર 252 સક્રિય સૈનિકો અને 75 હજાર અનામત સૈનિકો છે. ભારતીય નૌકાદળ પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. નૌકાદળના કાફલામાં લગભગ 300 યુદ્ધ જહાજ, 150 જહાજો અને સબમરીન છે. તે ઉપરાંત 4 ફ્લીટ ટેન્કર છે. 15 એટેક સબમરીન, 1 બેલિસ્ટિક મિસાઇલ સબમરીન તેમજ 14 ફ્રિગેટ્સ, 10 ડિસ્ટ્રોયર, 8 લેન્ડિંગ શિપ ટેન્ક, 1 એમ્ફિબિયસ ટ્રાન્સપોર્ટ ડોક, બે એરક્રાફ્ટ કેરિયર્સ છે.
આ પણ વાંચો, ગુજરાતના આ શહેરમાં સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા, નાગરિકોમાં ફફડાટ