ચીન-પ્રેમી, ભારત-વિરોધી માલદીવને મોદી સરકારે કરી 50 મિલિયન ડૉલરની મદદ!
નવી દિલ્હી, 13 મેઃ માલદીવના ચીન-પ્રેમી અને ભારત-વિરોધી પ્રમુખ મોહમ્મદ મુઈઝુને આખરે સમજાયું છે કે ભારતની મદદ વિના તેમની નૈયા પાર થવાની નથી. આ જ કારણે ચીન પ્રત્યે પ્રેમ ઉભરાવનાર અને ભારત સામે ડોળા કાઢનાર મુઈઝ્ઝુને ટૂંક સમયમાં જ તેની હેસિયતની ખબર પડી ગઈ છે. આ જ કારણે થોડા સમય પહેલાં તેમણે ભારત સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાની વાત કરી અને પછી તેમના દેશના ઘણા અટકેલા વિકાસ કાર્યોમાં મદદ માટે પીએમ મોદીને અપીલ કરી. આટલું જ નહીં તેણે ગયા અઠવાડિયે પોતાના વિદેશ મંત્રી મુસા ઝમીરને નવી દિલ્હી મોકલ્યા હતા. તેને પગલે ભારતે ફરીથી 50 મિલિયન ડૉલરની સહાય આપી છે. આ બાબતની જાહેરાત આજે માલદીવના વિદેશમંત્રી મુસા ઝમીરે પોતે કરી હતી. તેમણે આ અંગે તેમના દેશના વિદેશ મંત્રાલયની અખબારી યાદીના ટ્વિટને રિટ્વિટ કરીને ભારતનો આભાર માન્યો એટલું જ નહીં પરંતુ બેવડી નીતિ અખત્યાર કરતા હોય તેમ ભારત અને માલદીવના સંબંધો લાંબાગાળાના હોવાની બડાઈ પણ હાંકી દીધી.
I thank EAM @DrSJaishankar and the Government of #India for extending vital budgetary support to Maldives with the rollover of USD 50 million Treasury Bill. This is a true gesture of goodwill which signifies the longstanding friendship between #Maldives and #India. @HCIMaldives… https://t.co/MKeUbs6C0e
— Moosa Zameer (@MoosaZameer) May 13, 2024
મોદી સરકારે પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવાની નીતિ યથાવત્ રાખીને માલદીવમાંથી ભારતને-ભારતીયોને હાંકી કાઢવાનું અભિયાન ચલાવનાર મુઈઝ્ઝુની મુશ્કેલીમાં મુકાયેલી સરકારને આર્થિક મદદ તો કરી છે, પરંતુ પ્રશ્ન એ છે કે, આવનારા સમયમાં મુઈઝુનું વલણ કેવું હશે તે તો સમય જ કહેશે. હંમેશની જેમ ભારતે માલદીવને ઉદારતાથી મદદ કરીને પહેલા પડોશીની ભાવનાને સાબિત કરી છે. માલદીવના વિદેશ પ્રધાન મુસા ઝમીરે તેમની એક્સ-પોસ્ટ પર લખ્યું હતું કે “હું યુએસ $ 50 મિલિયનની વધારાની નોંધપાત્ર બજેટરી સહાય માલદીવને પૂરી પાડવા બદલ વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર અને ભારત સરકારનો આભાર માનું છું. આ બાબત બંને દેશો વચ્ચેની સદ્ભાવનાનો સાચો સંકેત જે માલદીવ અને ભારત વચ્ચેની લાંબા ગાળાની મિત્રતાનું પ્રતીક છે.”
આ અગાઉ આજે બપોરે માલદીવના વિદેશ મંત્રાલયે અખબારી યાદી જારી કરીને લખ્યું છે કે ભારત સરકારે આજે માલદીવને US$50 મિલિયનની બજેટ સહાય પૂરી પાડી છે. આ સહાય 13 મે 2024 થી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મારફત પૂરી પાડવામાં આવી છે. આ અંતર્ગત, US $50 મિલિયનના ટ્રેઝરી બિલના રોલઓવરના સ્વરૂપમાં વધારાના વર્ષ માટે સહાય પૂરી પાડવામાં આવી છે.
માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીર 8-10 મે 2024 દરમિયાન ભારતની સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાતે હતા અને તે દરમિયાન તેમણે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને આ અંગે વિનંતી કરી તેને આધારે ભારત સરકારે માલદીવને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. માલદીવના વિદેશ મંત્રાલયે લખ્યું કે, તેમની સરકાર બજેટરી સહાયના રૂપમાં માલદીવને ભારત સરકાર જે ઉદાર સમર્થન આપી રહી છે તેની ખૂબ પ્રશંસા કરે છે. ભારત સરકારની આ સહાયથી માલદીવમાં મોટી સંખ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને હાઈ ઈમ્પેક્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. તેમાં ભારત તરફથી અનુદાન સહાયના રૂપમાં નોંધપાત્ર હિસ્સો પણ સામેલ છે. માલદીવ સરકાર આપણા બંને દેશના નાગરિકોના પરસ્પર લાભ અને સમૃદ્ધિ માટે આ સહયોગી ભાગીદારીને ચાલુ રાખવા માટે ઉત્સુક છે.
આ પણ વાંચોઃ ભારત સામે નેપાળ ઘૂંટણીએઃ નેપાળી પ્રમુખના આર્થિક સલાહકારે રાજીનામું આપવું પડ્યું, જાણો કારણ