ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તિરુપતિ મંદિરની કમાણીમાં હિસ્સાની ડીલ? ચંદ્રાબાબુ નાયડુ અને રેવન્ત રેડ્ડીની બેઠક બાદ વિવાદ

  • YSRCP નેતાએ સોશિયલ મીડિયા પર બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દા પર સવાલ ઉઠાવ્યા
હૈદરાબાદ, 07 જુલાઈ: આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વિભાજનને લગતા મુદ્દા પર શનિવારે રેવંત રેડ્ડી અને ચંદ્રાબાબુ નાયડુ બંને CM વચ્ચે બેઠક યોજાઈ હતી. ચંદ્રબાબુ નાયડુની આ બેઠકને લઈને હવે વિવાદ સર્જાયો છે. YSRCP નેતા વિજય સાઈ રેડ્ડીએ સોશિયલ મીડિયા પર મીટિંગમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દા પર સવાલ ઉઠાવ્યા છે. વિજય સાંઈ રેડ્ડીએ બેઠક પર નિશાન સાધતાં પૂછ્યું હતું કે, “શું આ અફવા સાચી છે કે, તેલંગાણાએ TTD (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ) તેમજ આંધ્રના દરિયાકાંઠા અને બંદરોમાં હિસ્સેદારી પર નજર રાખી રહ્યું છે? તો હું આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે તેઓ હૈદરાબાદની રેવન્યુમાં હિસ્સો માંગે. AP સરકારે બંને મુખ્યમંત્રીઓ વચ્ચેની મિત્રતાને આંધ્ર પ્રદેશના લોકોના હિતથી ઉપર ન મૂકવી જોઈએ.”

શું અફવા ફેલાઈ રહી છે?

CM રેવંત રેડ્ડી અને ચંદ્રબાબુ નાયડુની બેઠક બાદ, અફવાઓ ઉડી રહી છે કે તેલંગાણા સરકાર આંધ્ર પ્રદેશમાં સ્થિત કૃષ્ણપટ્ટનમ, માછલીપટ્ટનમ અને ગંગાવરમ બંદરોમાં 1000 કિલોમીટર લાંબા દરિયાકિનારાની સાથે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની આવકમાં હિસ્સો માંગી શકે છે. જોકે, YSRCP નેતાના નિવેદન પર આંધ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

બંને મુખ્યમંત્રીઓની મીટિંગમાં શું થયું?

શનિવારે, CM ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમને કારણે ઉદ્ભવતા વિવાદના નિરાકરણ અંગે ચર્ચા કરવા હૈદરાબાદમાં તેલંગાણાના CM રેવન્ત રેડ્ડી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ વિભાજનના મુદ્દાના ઉકેલ માટે મંત્રીઓ અને અધિકારીઓની વિશેષ સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિમાં બંને રાજ્યોના ત્રણ વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે જેઓ વિવિધ મુદ્દાઓના ઉકેલ માટે બે અઠવાડિયામાં બેઠક કરશે. આ ઉપરાંત વણઉકેલાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રીઓની સમિતિ પણ બનાવવામાં આવશે.

સાયબર ક્રાઈમ અંગે પણ ચર્ચા થઈ હતી

આ બેઠકમાં ડ્રગ્સ અને સાયબર ક્રાઈમ સામે લડવા માટે રાજ્યો વચ્ચે સહયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન, આંધ્ર પ્રદેશ સરકારે માદક દ્રવ્યોના સપ્લાયને રોકવા માટે કેબિનેટ પેટા સમિતિની નિમણૂક કરી છે.

મહત્ત્વપૂર્ણ છે કે, અવિભાજિત આંધ્ર પ્રદેશના વિભાજન બાદ 2 જૂન 2014ના રોજ તેલંગાણાની રચના થઈ હતી. વિભાજનના દસ વર્ષ પછી પણ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા વચ્ચે મિલકતના વિભાજન, સરકારી સંસ્થાઓનું વિભાજન, બાકી વીજળી બિલ અને બાકીના કર્મચારીઓને તેમના મૂળ રાજ્યોમાં ટ્રાન્સફર જેવા મુદ્દાઓ પર વિવાદો ચાલી રહ્યા છે.

આ પણ જુઓ: અમરનાથ યાત્રાઃ 6000 કરતાં વધુ યાત્રાળુઓની દસમી ટુકડી ગુફા તરફ રવાના

Back to top button