ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે રૂ.1.21 લાખ કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ સ્થપાશે

  • કેન્દ્રની 50%, ગુજરાતની 20% જેટલી પ્રોજેક્ટ્સને સબસિડી
  • તાતાનો પ્રોજેક્ટ 2026માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરનારો છે
  • યુએસ સ્થિત માઇક્રોન ટેક્નોલોજિસ સાણંદ ખાતે યુનિટ સ્થાપી રહી છે

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે રૂ.1.21 લાખ કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ સ્થપાશે. જેમાં કેન્દ્રની 50%, ગુજરાતની 20% જેટલી પ્રોજેક્ટ્સને સબસિડી છે. સૌથી મોટો તાતાનો પ્રોજેક્ટ 2026માં કાર્યરત થવાની શક્યતા છે. 19મી જુલાઈએ ગુજરાત સેમિ કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તાતા જૂથની તાતા ઇલેક્ટ્રોનિક્સ કંપની ધોલેરામાં સેમિ કન્ડક્ટર-ચિપના ઉત્પાદન માટે રૂ.91 હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ સ્થાપી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વર્ષે રૂ.1.5 કરોડનો ખર્ચ કરવા છતાં પણ સાબરમતી નદીમાં સફાઈના નામે મીંડુ

યુએસ સ્થિત માઇક્રોન ટેક્નોલોજિસ સાણંદ ખાતે યુનિટ સ્થાપી રહી છે

યુએસ સ્થિત માઇક્રોન ટેક્નોલોજિસ સાણંદ જીઆઇડીસી ખાતે રૂ.22,516 કરોડના ખર્ચે સેમિ કન્ડક્ટર એસેમ્બલી યુનિટ સ્થાપી રહી છે. જ્યારે મુરૂગપ્પા જૂથની સી.જી.પાવર કંપની પણ સાણંદમાં રૂ.7,600 કરોડના ખર્ચે એસેમ્બલી ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ યુનિટ ઊભું કરી રહી છે. ગુજરાત સરકારે તાતા ઇલેક્ટ્રોનિક્સને ધોલેરામાં પ્રથમ તબક્કે 160 એકર, સી.જી.પાવરને સાણંદમાં 28 એકર તથા માઇક્રોનને 93 એકર જમીન એલોટ કરેલી છે. કેન્દ્ર સરકારે તેની સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આ ત્રણે પ્રોજેક્ટને કુલ રોકાણના 50 ટકા સબસિડી આપવાનું જાહેર કરેલું છે. જ્યારે ગુજરાત સરકારે તેની આ ક્ષેત્રની નીતિ અન્વયે પ્રોજેક્ટના કુલ રોકાણના 20 ટકા સબસિડી આપવાનું કમિટમેન્ટ આપેલું છે.

તાતાનો પ્રોજેક્ટ 2026માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરનારો છે

મતલબ કે ઉક્ત ત્રણે પ્રોજેક્ટમાં પ્રમોટર્સ દ્વારા 30 ટકા રોકાણ થશે. રાજ્યના ત્રણે પ્રોજેક્ટ પૈકી સૌથી મોટો તાતાનો પ્રોજેક્ટ 2026માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરનારો છે. ગુજરાત સરકાર ફરી એકવાર સેમિ કન્ડક્ટર પ્રોજેક્ટ્સના સંદર્ભમાં 19મી જુલાઈએ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત સેમિ કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદનને સ્પર્શતા આઠ જેટલા વિષયો ઉપર પેનલ ચર્ચા યોજાશે. રાજ્યમાં આ ક્ષેત્રે પ્લાન્ટ સ્થાપી રહેલી કંપનીઓ ઉપરાંત ઇન્ડિયા ઇન્વેસ્ટ તથા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન પણ આ કોન્ફરન્સમાં નોલેદ પાર્ટનર્સ તરીકે સામેલ થઈ રહ્યાં છે.

Back to top button