- રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા
- દરિયામાં આવેલા દ્વારકામાં તારાજીની અતિ તીવ્ર અસર
- ગાંધીધામમાં વીજ પુરવઠો ખોરવાયો
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે મોટુ નુકસાન થયુ છે. જેમાં ઠેર-ઠેર નુકસાન કરી વાવાઝોડુ પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે. તથા સવારે સુધીમાંથી વાવાઝોડુ રાજસ્થાન તરફ જશે. જો કે 22 લોકોને ઈજા થઈ છે. 24 પશુઓના મોત થયા છે. તથા રાજ્યમાં 940 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા
સાંજે 5-30એ જખૌ પાસે લેન્ડફોલ પ્રોસેસ શરૂ થઈ હતી. વાવાઝોડું જોધપુર તરફ આગળ વધતું ધીમે ધીમે નબળું પડશે. તથા 140 કિમી સુધીની ઝડપે વિનાશક તાકાત સાથે બિપોરજોય મોડુ ત્રાટકતા આજે પણ ખતરો યથાવત્ રહ્યો છે. તેમજ ભારે પવનથી ઉત્તર ગુજરાતને પણ અસર થશે. તથા દ્વારકા, કચ્છમાં 100-120 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા છે. જેમાં બન્ને જિલ્લામાં સજ્જડ બંધ આપવામાં આવ્યું છે.
દરિયામાં આવેલા દ્વારકામાં તારાજીની અતિ તીવ્ર અસર
વ્યાપક ભય સાથે જેનો ઈંતજાર હતો તે પ્રચંડ વાવાઝોડુ બિપોરજોય આજે ગઈકાલે પકડેલી દિશા જાળવી રાખી કલાકની 115-125 કિમીની ઝડપે ઘુમરાતું કચ્છ ઉપર ત્રાટક્યું હતું. જેના પગલે કચ્છ ઉપરાંત તેની નજીક દરિયામાં આવેલા દ્વારકામાં તારાજીની અતિ તીવ્ર અસર જોવા મળી હતી. પૂર્વાનુમાન મૂજબ વાવાઝોડાનો અગ્રભાગ સાંજે 5.૩૦ વાગ્યે કચ્છના જખૌ બંદરને સ્પર્શ કર્યો તે સાથે જ દ્વારકા અને કચ્છમાં કલાકના 100-120 કિ.મી.ની ઝડપે વિનાશક વાવાઝોડુ ફૂંકાવાનું શરુ થવા સાથે અનેક છાપરાં, શૅડ, વૃક્ષ, થાંભલા ધરાશાયી થયા હતા.
દરિયાના પાણી કાંઠાળ ગામોમાં ફરી વળ્યા હતા. તો સૌરાષ્ટ્રના મોરબી,જામનગર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ જિલ્લામાં પણ 50-60 કિ.મી.ની ઝડપે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હતું. વરસાદનું જોર રાત્રિ સુધી ઓછુ રહ્યું છે પરંતુ, પવન અતિ તીવ્ર ઝડપે ફૂંકાયો હતો.
દ્વારકામાં વધુમાં વધુ 60 કિમી ઝડપે પવન ફુંકાયો હતો
ગાંધીનગરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું કે, દ્વારકામાં વધુમાં વધુ 60 કિમી ઝડપે પવન ફુંકાયો હતો. કચ્છમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં 940 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા છે. રાહત આપનાર વાત એ છેકે માનવ મોતની કોઈ ઘટના ધ્યાને આવી નથી. જો કે 22 લોકોને ઈજા થઈ છે. 24 પશુઓના મોત થયા છે. આ વચ્ચે આવતીકાલે પાટણ – બનાસકાંઠામાં અતિભારે વરસાદ થશે. આવતીકાલથી નુકસાની સર્વેની કામગીરી શરુ કરાશે. વિજળી રીસ્ટોર કરવા માટે સવારથી કામગીરી શરુ કરાશે.
ગાંધીધામમાં વીજ પુરવઠો ખોરવાયો
ગાંધીધામના એસપી કચેરી આસપાસના વિસ્તારમાં લાઈટ જતી રહી છે. ગાંધીધામ મામલતદાર કચેરી આસપાસના કેટલાક વિસ્તારમાં પણ લાઈટ જતી રહેતા અંધારપટ છવાયો છે.
ભુજમાં લાઈટ ગુલ
બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છના પાટનગર ભુજમાં પણ લાઈટ ગુલ થઈ છે. સાંજના 6 વાગેથી ભુજમાં લાઈટ ગુલ થઈ છે. ભુજ, માધાપર, સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ છે. ભારે પવન અને વાવાઝોડા કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.
દ્વારકા વિસ્તારમાં વીજળી જતી રહી
બીજી તરફ દ્વારકાના ઓખા, મીઠાપુર સહિત તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સવારથી વીજળી ગુલ થઈ છે આ ઉપરાંત નેટવર્કનાં ઇસ્યુ પણ આવી રહ્યા છે. કોઈ પણ નેટવર્ક પર ફોન લાગતાં ન હોવાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે. ભારે હવા અને સતત વરસાદથી દ્વારકાનાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.