માવઠાની આગાહીને પગલે જામનગરના હાપા યાર્ડમાં લેવાયો આ મોટો નિર્ણય
હવામાન વિભાગ દ્વારા આગામી 14 માર્ચેથી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે જેને લઈને હાપા માર્કેટીંગ યાર્ડ એલર્ટ થઈ ગયું છે અને ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે.
માવઠાની આગાહીને પગલે હાપા માર્કેટમાં જસણીઓની આવક બંધ
જામનગરમાં આવેલ હાપા માર્કેટમાં માવઠાની આગાહીને પગલે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. હાપ માર્કેટીંગ યાર્ડમાં હવામાન વિભાગની આગાહીને પગલે લસણ, મગફળી, ઘઉં, ધાણા સહિતની જસણીઓની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી જાહેરાત ન થાય ત્યા સુધી રહેશે બંધ
હવામાન વિભાગ દ્વારા આગામી 14 માર્ચથી 17 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. જેના કારણે પાછોતર ઘઉં જીરુ લસણ, ડુંગળી , ચણા અને ધાણાના પાકને ફરીથી નુકસાન થવાની શક્યતા છે. ત્યારે આ વચ્ચે હાપા માર્કેટીંગ યાર્ડ દ્વારા આગામી 13 માર્ચથી સવારે 9 વાગ્યાથી લઈને લસણ, મગફળી, ઘઉં પાલ અને બાચકાની આવક અંગે નવી જાહેરાત ન થાય ત્યા સુધી બંધ રાખવામાં આવશે.
ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે નિર્ણય
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીને પગલે 11 માર્ચ સાંજે છ વાગ્યાથી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. હાપા માર્કેટીંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ખેડૂતોનો પાક પલડી ન જાય તે માટે અગાઉથી આ નિર્ણય લેવામા આવ્યો છે. હાપા માર્કેટીંગ યાર્ડ દ્વારા માવઠાની આગાહીને લઈને આ નિર્ણય લેવામા આવ્યો છે. ઘણી વખત બદલાતા વાતાવરણને કારણે યાર્ડમાં રહેલો પાક બગડી જતો હોય છે. જેના કારણે લાખો રુપિયાનું નુકસાન થતું હોય છે. જેથી માર્કેટીંગ યાર્ડના આ નિર્ણયને ખેડૂતો પણ આવકાર્યો છે.
આ પણ વાંચો : આણંદમાં વીજ બિલ ભરવા મુદ્દે વીજ કર્મી પર લોહિયાળ હુમલો, પોલીસે હાથ ધરી કાર્યવાહી