ગુજરાતટોપ ન્યૂઝ

સાવરકુંડલાના વૃદ્ધે નગરપાલિકા પાસેથી જે બાબતનું વળતર માગ્યું તે જાણીને તમને પણ થશે આશ્ચર્ય

Text To Speech
શું તમે રસ્તા ઉપર ચાલીને જતા હોય અને તમને શ્વાન કરડી જાય તો તમે તેના માટે વળતર માંગશો ? નહીં ને ! પણ આવું બન્યું છે અમરેલીના સાવરકુંડલામાં.
આ અંગે જે હકીકત મળી છે તે જોઈએ તો સાવરકુંડલા શહેરમાં થોડા દિવસ પહેલા સિનિયર સિટીઝન હર્ષદભાઈ જોષી ચાલીને જતા હતા. આ દરમિયાન એક શ્વાને તેને બચકું ભર્યું હતું. જેથી તેમને સારવાર માટે સાવરકુંડલા શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ તેઓએ આ બાબતે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને વળતરની માંગ કરી હતી. જે ફરિયાદના આધારે ગ્રાહક સુરક્ષા મંડળે વળતર ચૂકવવા સાવરકુંડલા નગરપાલિકાને લીગલ નોટિસ ફટકારી છે.
શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે નોટીસમાં ?
સિનિયર સિટીઝન હર્ષદભાઈ જોષીએ નગરપાલિકાને જે નોટીસ ફટકારી છે તેમાં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેઓ સાવરકુંડલાની બજારમાંથી પોતાના ઘરેથી ચાલીને જતા હતા. તે દરમિયાન શ્વાન તેને કરડી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. નાગરિકોની સુખાકારીએ નગરપાલિકાની ફરજ અને જવાબદારી છે. જેમાં રખડતા ઢોર, શ્વાન, મચ્છર વગેરેથી નાગરિકોનું રક્ષણ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. જે અંતર્ગત નગરપાલિકાને સબબ નોટિસ કરી જાણ કરવાની કે, આ નોટિસ મળ્યા દિન 15માં ફરિયાદીને થયેલી યાતના માનસિક ત્રાસ અને થયેલો ખર્ચ વ્યાજ સહિત ચૂકવી આપવો. તેમજ જો આમ કરવામાં કસુર થયે ફરિયાદીને કાયદાથી મળતા અધિકારો મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેની અંગત જવાબદારી તમારી રહેશે.
સાવરકુંડલા પંથકમાં નોટીસ બની ચર્ચાનો વિષય
સિનિયર સિટીઝન હર્ષદભાઈ જોષીને શ્વાન કરડયું હોય જે બાબતે તેઓએ નગરપાલિકાને નોટીસ ફટકારી છે. આ નોટીસ અંગેની જાણ થતાં સાવરકુંડલા પંથકમાં નોટીસ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહેશે કે નોટીસનો નગરપાલિકા શું જવાબ આપે છે ? શું કાર્યવાહી કરવામાં આવશે ? તેના પર સૌની નજર મંડરાયેલી છે.
Back to top button