ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ, જુઓ ક્યાં કેટલો વરસાદ ? આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ સારો વરસાદ પડી રહ્યો હોવાથી નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરદાર સરોવરની સપાટીમાં દર કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 132.74 મીટરે પહોંચી છે. પાણીની સપાટી હજુ પણ વધી શકે છે. મધ્ય પ્રદેશમાં સારા વરસાદને કારણે આ વખતે ડેમ સંપૂર્ણપણે ભરાઈ શકે છે. ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી 5.94 મીટર દૂર છે.
સુરત:
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ બારડોલીના હરિપુરાનો લૉ લેવલ કોઝવે ચાલુ સીઝનમાં છઠ્ઠી વખત પાણી ગરક થઈ ગયો છે. કોઝવે પાણીમાં ગરક થતા બીજી બાજુઆ આવેલા 12 જેટલા ગામો બારડોલીનાં મુખ્યમાર્ગથી સંપર્ક વિહોણા બન્યા છે. નર્મદા જિલ્લામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ: બીજી તરફ નર્મદા જિલ્લામાં વરસાદની ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. મોડી રાત્રિથી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં રાત્રે 3 વાગ્યા સરવારના છ વાગ્યા સુધી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
મહીસાગર:
મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમનું લેવલ 396.04 ફૂટે પોહચ્યું છે. હાલ ડેમમાં 41,410 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તેની સામે ડેમમાંથી 5,300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલાં ભાદર ડેમની સપાટી 119.90 મીટર પર પહોંચી છે. ડેમમાં હાલ 220 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભાદર ડેમમાં પાણીની આવક વધતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ડેમની ભયજનક જળસપાટી 123.72 મીટર છે.
મહેસાણા:
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ધરોઈ ડેમમાં હાલમાં 27,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમની સપાટી 605.90 ફૂટ પર પહોંચી છે.
રાજકોટ:
શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવાયો હતો. માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી, ત્રિકોણ બાગ, જામનગર રોડ, નાના મૌવા સર્કલ, આનંદ બંગલા ચોક, ઢેબર રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ, વેલનાથ પરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સવારના 7 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં શહેરમાં 0.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે તો ક્યાંક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો લાખણી અને કાંકરેજ તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો કાંકરેજ તાલુકાના શિહોરી. ઉબરી, ખીમાણા, કંબોઈ સહિતના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. હનુમાન ટેકરી, ધનિયાણા ચોકડી અને ખેમણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સારા વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ડેમની જળસપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો થયો છે. જો કે, દાંતીવાડા ડેમ હજુ 90 ટકા ખાલી છે.
સાબરકાંઠામાં ધોધમાર વરસાદ
સાબરકાંઠાના હિંમતનગર થયું પાણી-પાણી. મંગળવારે બપોરના 12 વાગ્યે મેઘરાજાએ હિંમતનગરમાં કરી ધમાકેદાર એંટ્રી થઈ હતી. શહેરના મોતીપુરા, મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી પડી હતી. તો શહેરની સાથે આસપાસના હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને લઈ હિંમતનગર તાલુકાના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. તો વડાલી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વડાલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે તો અરવલ્લી જિલ્લામાં પણ યથાવત છે મેઘમહેર. માલપુર અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પણ વરસાદ વરસ્યો.
24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ
સુરતના ઉમરવાડામાં 3.5 ઈંચ વરસાદ
સાગબારામાં 2.9 ઈંચ,ધાનેરામાં 2.7 ઈંચ વરસાદ
કામરેજ અને સોનગઢમાં 2.5 ઈંચ વરસાદ
વ્યારા અને કેશોદમાં 2.2 ઈંચ વરસાદ
માંડવી, નવસારી અને વાપીમાં 2 ઈંચ વરસાદ
122 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ