એપ્રિલ મહિનામાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ, ફેમિલી સાથે જઈ શકશો
- ભારતમાં એવા કેટલાક હિલ સ્ટેશન છે, જ્યાંનું હવામાન એપ્રિલ મહિનામાં ખુશનુમા હોય છે. અહીં તમને વિદેશ ફરી રહ્યા હોવાનો અનુભવ થશે. અહીં ચારેય બાજુ સુંદર ફૂલોની ખુશ્બુ ફેલાયેલી હોય છે.
ગરમી શરૂ થઈ ચૂકી છે, પરંતુ જો ફરવા જવા ઈચ્છતા હો તો આ મહિનો બેસ્ટ છે. હવામાન પ્રમાણે પણ આ મહિનો ફરવા માટે પરફેક્ટ કહી શકાય. બાળકોની એક્ઝામ પણ પૂરી થઈ ચૂકી છે. જો તમે ફેમિલી સાથે ફરવા જવાનો પ્લાન બનાવતા હો તો આ જગ્યાઓ પર જઈ શકો છો. ભારતમાં એવા કેટલાક હિલ સ્ટેશન છે, જ્યાંનું હવામાન એપ્રિલ મહિનામાં ખુશનુમા હોય છે. અહીં તમને વિદેશ ફરી રહ્યા હોવાનો અનુભવ થશે. અહીં ચારેય બાજુ સુંદર ફૂલોની ખુશ્બુ ફેલાયેલી હોય છે. અહીં હવામાન એટલું ખુશનુમા હોય છે કે ફરવાની મજા બેવડાઈ જાય છે. જાણો એપ્રિલ મહિનામાં તમે પરિવાર સાથે ક્યાં ફરવા જશો?
તવાંગ
એપ્રિલ મહિનામાં અરુણાચલ પ્રદેશ સ્થિત તવાંગ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર લાગે છે. આ સીઝનમાં અહીંનું વાતાવરણ ખુશનુમા હોય છે અને બરફને બદલે હરિયાળી અને તેજસ્વી સૂર્યપ્રકાશ જોવા મળે છે. આ સીઝન આઉટડોર એક્ટિવિટીઝ માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. અહીં તમે તવાંગ મોન્ટેસરી, જંગલ અને સુંદર તળાવો, યુદ્ધ સ્મારક વગેરે જોઈ શકો છો.
ગુલમર્ગ
જો તમે શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે ગુલમર્ગ જવા ઈચ્છતા ન હોવ તો તમારે એપ્રિલ મહિનામાં કાશ્મીરના આ નાના શહેરની મુલાકાત લેવી જોઈએ. આ સીઝનમાં અહીં ચારે બાજૂ ફૂલો જોવા મળશે. તમે પૃથ્વી પર સ્વર્ગ તરીકે ઓળખાતા આ સ્થળને એપ્રિલ મહિનામાં એક્સપ્લોર કરી શકો છો.
રવંગલા
સિક્કિમનું હિલ સ્ટેશન રવંગલા એપ્રિલ મહિનામાં ખૂબ જ રોમાંચક લાગે છે. આ જગ્યા ગંગટોક અને પેલિંગની વચ્ચે આવે છે. તેની સુંદરતાને કારણે તેને સિક્કિમનું સ્વર્ગ કહેવામાં આવે છે. જો કે, આ જગ્યા ઘણી નાની છે, પરંતુ અહીં તમે લીલાછમ બગીચાઓ અને પર્વતની સુંદરતા, મૈનમ લા વાઇલ્ડ સેન્ક્ચ્યુરી ટ્રેક જેવી સુંદર જગ્યાઓનો આનંદ માણી શકશો.
ડેલહાઉસી
હિમાચલ પ્રદેશનું ડેલહાઉસી એપ્રિલ મહિનામાં પણ બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલું રહે છે. આ સીઝનમાં અહીં મહત્તમ તાપમાન 25 ડિગ્રી હોય છે. અહીં તમે પંચ પુલ્લાની સુંદરતા જોઈ શકો છો, સતધારા વોટરફોલમાં ડૂબકી લગાવી શકો છો, ચમેરા તળાવમાં બોટિંગ કરી શકો છો અને કાલાટોપ વાઈલ્ડ સેન્ચુરીની મુલાકાત લઈ શકો છો.
ચેરાપુંજી
જો તમે નોર્થ ઈસ્ટની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો ચેરાપુંજી બેસ્ટ જગ્યા છે. અહીં એપ્રિલમાં તાપમાન 15 થી 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને અને પ્રકૃતિની નજીક રહેવા માંગો છો, તો એકવાર આ જગ્યાની મુલાકાત અવશ્ય લો. ધ લીવિંગ રૂટ બ્રિજ, સેવન સિસ્ટર ફોલ્સ, ઈકોપાર્ક વગેરે જગ્યાઓ તમને અદ્ભુત અનુભવ આપશે.
આ પણ વાંચોઃ અજય દેવગણના બર્થડે પર ફેન્સને સરપ્રાઈઝ, ‘મેદાન’નું દમદાર ટ્રેલર રીલીઝ