ભારત-બાંગ્લાદેશને જોડતી રેલવે લાઇનનું બંને દેશના વડાપ્રધાન સંયુક્ત ઉદ્ઘાટન
- બંને નેતાઓ ત્રણ ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
- પ્રોજેક્ટ્સ દ્વારા બંને દેશો વચ્ચે પ્રાદેશિક જોડાણ વધશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના બુધવારે એક નવેમ્બરના રોજ ત્રણ ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેમાં અખૌરા-અગરતલા ક્રોસ બોર્ડર રેલ, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-2નો સમાવેશ થાય છે. જેનું ઉદઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક પ્રોજેક્ટ ભારત સરકાર હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં બાંગ્લાદેશને રૂ. 392.52 કરોડની સહાય આપવામાં આવી છે. સાથોસાથ, 6.78 કિમી લાંબી ડબલ રેલ્વે લાઇનની લંબાઈ બાંગ્લાદેશમાં 12.24 કિમી અને ત્રિપુરામાં 5.46 કિમી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા બંને દેશો વચ્ચે પ્રાદેશિક જોડાણ અને સંબંધો મજબૂત બનશે.
ખુલ્ના-મોંગલા પોર્ટ રેલ લાઇન પ્રોજેક્ટ ભારત સરકારની રાહત ધિરાણ સુવિધા હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે જેની કુલ કિંમત $388.92 મિલિયન છે. આ પ્રોજેક્ટમાં મોંગલા બંદર અને ખુલ્નામાં હાલના રેલ નેટવર્ક વચ્ચે આશરે 65 કિલોમીટરના બ્રોડગેજ રેલ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું બંદર મોંગલા બ્રોડગેજ રેલ્વે નેટવર્ક સાથે જોડાઈ જશે.
મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ એ ભારતીય કન્સેશનલ ફાઇનાન્સિંગ સ્કીમમાંથી $1.6 બિલિયનની લોન હેઠળ બાંગ્લાદેશના ખુલ્ના ડિવિઝનના રામપાલ ખાતે સ્થિત 1320 મેગાવોટનો સુપર થર્મલ પાવર પ્લાન્ટ છે. આ પ્રોજેક્ટ બાંગ્લાદેશ-ઈન્ડિયા ફ્રેન્ડશિપ પાવર કંપની લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે, જે ભારતની NTPC લિમિટેડ અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ વચ્ચેની સંયુક્ત સાહસ કંપની છે. મહત્વનું છે કે, મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-1નું અનાવરણ બંને વડાપ્રધાનોએ સપ્ટેમ્બર 2022માં સંયુક્તપણે કર્યું હતું.જોકે, હવે યુનિટ-2નું ઉદ્ઘાટન આવતીકાલે કરાશે.આ પ્લાન્ટ કાર્યરત થવાથી બાંગ્લાદેશમાં ઊર્જા સુરક્ષામાં વધારો થશે.
આ પણ વાંચો: PM મોદી અને શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- નવા અધ્યાયની શરૂઆત