લોકડાઉનમાં સૌથી વધુ યુઝ થયેલી Zoom એપ હવે કર્મચારીઓ પર ચલાવશે કાતર, CEO એ કરી જાહેરાત
મોટી મોટી કંપનીઓ હાલ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે તે જોતા અંદાજો લગાવી શકાય છે કે હવે વિશ્વ મંદી તરફ આગળ વધી રહ્યુ છે. અનેક મોટી મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. ત્યારે હવે કમ્યુનિકેશન ટેક્નોલોજી ફર્મ Zoom પણ છટણી કરવા જઈ રહી છે. Zoom તેના લગભગ 1300 કર્ચારીઓ કે પછી 15 ટકા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.
સત્તાવાર બ્લોગ પર આપી જાણકારી
Zoomના સીઇઓ એરિક યુઆને તેમના સત્તાવાર બ્લોગ પર આ છટણી અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે અમેરિકામાં કામ કરતાં પ્રભાવિત અમારા મહેનતી, પ્રતિભાશાળી સહયોગી કર્મચારીઓ તમને એક ઈમેઈલ મળશે અને તમામ બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરૂરિયાતો અનુસાર પણ જાણ કરવામાં આવશે. વધુમા તેમણે જણાવ્યું કે જો તમે અમેરિકામાં કામ કરી રહ્યા છો અને તમે પણ આ છટણીમાં સામેલ છો તો તમને આગામી 30 મિનિટમાં ઝૂમ અને વ્યક્તિગત ઈનબોક્સમાં એક ઇમેલ મળશે. જેમાં લખ્યું હશે કે [IMPACTED] ડિપાર્ટિંગ ઝૂમઃ વ્હોટ યૂ નીડ ટુ નો. બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરુરિયાતો અનુસાર સૂચના મોકલવામાં આવશે.
ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી
ઉલ્લેખનીય છે કે કંપનીએ કોવિડ-19 રોગચાળા દરમિયાન માંગમાં વધારાને કારણે વધુ કર્મચારીઓની ભરતી કરી હતી. જો કે, આર્થિક મંદીની સંભાવનાને ધ્યાનમાં રાખીને કંપની હવે તેમના ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરતી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
અસરગ્રસ્ત કર્મચારીઓને પેકેજ મળશે
ઝૂમના સીઈઓ એરિક યુઆને જણાવ્યુ હતુ કે આ છટણીથી પ્રભાવિત યુએસ સ્થિત કર્મચારીઓને વર્ષ 2023 માટે ચાર મહિના માટે હેલ્થ કેર કવરેજ, પગાર અને કોર્પોરેટ બોનસ આપવામાં આવશે. આ સિવાય કંપની કર્મચારીઓને અન્ય દેશોના કાયદા અનુસાર રાહત પેકેજ આપશે. યુઆને પણ આગામી નાણાકીય વર્ષથી તેમના પગારમાં 98% ઘટાડો કર્યો છે, જ્યારે ટોચના અધિકારીઓના મૂળ પગારમાં 20% ઘટાડો થશે.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીએ દીકરીના લગ્ન માટે બુક કરાવ્યો 500 વર્ષ જૂનો શાહી કિલ્લો, જાણો શું છે તેની ખાસિયત