બ્રહ્માંડનો સૌથી અદ્ભૂત નજારો, NASAના જેમ્સ વેબ ટેલિસ્કોપની વધુ રંગીન તસવીર, જાણો તેની ખાસિયત
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી લેવામાં આવેલી પ્રથમ તસવીર જાહેર કર્યા બાદ વધુ પાંચ તસવીરો જાહેર કરી છે. આ બ્રહ્માંડના અત્યાર સુધી લેવામાં આવેલા સૌથી હાઈ-રિઝોલ્યુશનવાળા રંગીન ફોટોગ્રાફ્સ છે. જેમાં અલગ-અલગ ગેલેક્સીથી લઈને મૃત્યુ પામતા તારાઓ સુધીના અવકાશના ઘણાં રહસ્યો સામેલ છે.
જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી લેવામાં આવેલી પ્રથમ તસવીર યુએસ પ્રમુખ જો બાઇડેન અને નાસા દ્વારા સંયુક્ત રીતે રિવીલ કર્યા હતા. આ તસવીરમાં SMACS 0723 નામનું ગેલેક્સી ક્લસ્ટર જોઈ શકાય છે. નાસાનું કહેવું છે કે આનાથી આકાશગંગા તેમજ બ્લેક હોલ જેવી વસ્તુઓ પર યોગ્ય સંશોધન થઈ શકશે.
બીજો ફોટો પણ SMACS 0723નો છે, પરંતુ આ વખતે તેને નજીકથી જોઈ શકાય છે. આમાંની કેટલીક વસ્તુઓ એવી જ દેખાઈ છે જે તે 13.1 અબજ વર્ષ પહેલા દેખાતી હતી. નાસાના જણાવ્યા
અનુસાર, ટેલિસ્કોપને આ તસવીર બનાવવામાં 4 દિવસનો સમય લાગ્યો હતો.
ત્રીજી તસવીરમાં, સધર્ન રિંગ નામના નેબ્યુલાના એક તારાને જોઈ શકાય છે. નેબ્યુલા એ ગેસ અને ડસ્ટના બનેલા વાદળો છે, જેની વચ્ચે તારાઓ જન્મે છે. આ નેબુલાનો આ તારો લુપ્ત થવાની આરે છે, જેના કારણે તેની ઉર્જા બહારના સ્તરો પર જોવા મળી રહી છે. સધર્ન રિંગ પૃથ્વીથી 2,000 પ્રકાશવર્ષના અંતરે છે.
ટેલિસ્કોપ વડે લેવામાં આવેલી ચોથી તસવીરમાં સ્ટીફન્સ ક્વિન્ટેટ જોઈ શકાય છે. આ વિશ્વનું પ્રથમ ગેલેક્સી ક્લસ્ટર છે, જેની શોધ વૈજ્ઞાનિકોએ કરી હતી. આ જૂથમાં 4 થી 5 તારાવિશ્વો છે, જે દરરોજ એકબીજાની ખૂબ નજીક આવે છે.
પાંચમી તસવીર કેરિના નેબ્યુલાની છે. પૃથ્વીથી 7,600 પ્રકાશ-વર્ષ દૂર, તે બ્રહ્માંડમાં સૌથી મોટા નેબ્યુલામાંથી એક છે. આ ફોટો જોઈને વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ નેબ્યુલા પર્વત અને ખીણો જેવા દેખાય છે. તસવીરમાં નીચેની બાજુ ધૂળ અને ઉપરની સાઈડ ગેસ જોવા મળે છે.
છેલ્લી તસવીર ધરતીથી 1,150 પ્રકાશ વર્ષ દૂર સ્થિત ગ્રહની છે. જેનું નામ WASP-96b છે. ફોટોમાં પ્લાનેટના વાતાવરણમાં જોવા મલતા તરંગનો ખુલાસો કરાયો છે. તે પોતાનામાં એક નવી શોધ છે. અહીં પર વોટર વેપર હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જે રીતે બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે, તેવી જ રીતે WASP-96b પણ પોતાના તારાથી સૌથી નજીક છે.
જેમ્સ વેબ ટેલિસ્કોપની ખાસિયત
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સીએ તૈયાર કર્યું છે. જેના પર લગભગ 75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ દુનિયાનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. જેની ક્ષમતાનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે આ અંતરિક્ષથી ધરતી પર ઉડતા પક્ષીઓને સહેલાયથી ડિટેક્ટ કરી શકે છે.