મોડું થાય એટલું મોંઘુ થાય: મુખ્યમંત્રી તરીકે વિજયભાઇએ કેમ કરી હતી તાકીદ?

- કચ્છ સૌરાષ્ટ્રના મહત્ત્વના મુદ્દાઓ માટે નિરંતર મોનિટરિંગ કરતા હતા
ભુજ, 16 જૂન 2025: Kachchh, Narmada, CM Vijay Rupani અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં દિવંગત થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇએ કચ્છના નર્મદાના કામો પૂરાં કરવા માટે વારંવાર તાકીદ કરી હતી. કચ્છ પીવાના અને સિંચાઇના પાણીથી પીડાતો પ્રદેશ રહ્યો છે ત્યારે જો ચોમાસુ નબળું જાય તો નર્મદાના નીર સિવાય કોઇ કુદરતી સ્રોત રહેતો નથી હોતો. જળસંચયના કામો થયા પરંતુ દેશના બીજા નંબરના જિલ્લામાં પાણી પુરૂં એટલા માટે ન પડી શકે કારણ કે ગ્રામીણ વિસ્તાર દુર્ગમ રહ્યો છે. આ માટે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, મોડું થશે તેટલું મોંઘુ થશે. 2020માં જળસંગ્રહને લગતા ભુજ નજીકના એક કાર્યક્રમમાં પણ તેમણે આ બાબત ઉચ્ચારી હતી.
પ્લેનમાં 12 નંબરની બેઠક, કચ્છ GJ12 ઉપર પણ વિશેષ લગાવ
મુખ્યમંત્રી તરીકે કચ્છ અવાર નવાર આવેલા સ્વ. વિજયભાઇ રૂપાણીએ સ્થાનિક નેતાઓ અને જિલ્લા વહીવટી તંત્ર ઉપરાંત નર્મદા નિગમને પણ તાકીદ કરી હતી. પ્લેનમાં 12 નંબરની બેઠક ઉપરથી દિવંગત થયા એમ RTOમાં GJ12 પાસિંગ ધરાવતા કચ્છ માટે વિશેષ લગાવ હતો. સિંચાઇના બાકી કામો સમયસર પૂરા થવા જોઇએ.
સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પાણીદાર પ્રદેશ બનાવ્યો
મુખ્યમંત્રી તરીકે વિજયભાઇએ નર્મદા, પ્રવાસન, 2018માં રાજ્યમાં અર્ધદુષ્કાળની ભુજથી જાહેરાત સહિતના મુદ્દે વિશેષ ધ્યાન આપ્યું હતું. કચ્છના જૂના જનસંઘીઓ તેમની સાથે લોકપ્રશ્નો માટે સતત વાત કરતા રહેતા હતા અને તેનું પરિણામ કેટલેક અંશે કચ્છના ફાયદામાં રહ્યું હતું. આ દુર્ગમ જિલ્લાના મુદ્દાઓનું નિરાકરણ રાજકીય રીતે પણ અગત્યનું સાબિત થતું હોય છે. મુખ્યમંત્રી તરીકે વિજયભાઇએ સૌરાષ્ટ્રમાં સૌની યોજના અમલી બનાવી તેમ કચ્છ માટે પાણી પહોંચાડવા ગાંધીનગરસ્તરે પણ બેઠકો કરીને રીતસરનું મોનિટરિંગ કર્યું હતું. જિલ્લાના સ્થાનિક કામો માટે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ ત્રિવેદી સાથે પણ તેઓ ચર્ચા કરતા રહેતા હતા.
કામોમાં ઝડપ લાવવા ઉપર ભાર મૂકતા
2021માં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચાધિકારીઓ ગાંધીનગર ખાતે જુદા-જુદા જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓ સાથે વિશદ બેઠકમાં કચ્છ અને જામનગર જિલ્લા માટે પાણીનો મામલો ચર્ચામાં રહ્યો હતો. બેઠકમાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ કચ્છના પાણીનો મુદ્દો પકડયો હતો અને જણાવ્યું હતું કે, નર્મદાના કામોમાં જેટલું મોડું થાય છે તેટલું મોંઘું થાય છે. અધિકારીઓને કામોમાં ઝડપ લાવવા અને નર્મદાના પ્રશ્નોના નિરાકરણ લાવવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત, ભુજોડી અને ભચાઉના ઓવરબ્રિજના મામલે ઝડપી કામ થાય એ જરૂરી છે તેવી અનિવાર્યતા કરતાં જેના જવાબમાં ત્યારના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈએ આ બ્રિજના કામ જીએસઆરટીસીના બદલે માર્ગ મકાન વિભાગ હસ્તક લાવવા જણાવ્યું હતું.
અટવાયેલા કામો માટે ગાંધીનગરથી અધિકારીઓને કચ્છ મુકતા
ભુજના ધારાસભ્ય ડૉ નીમાબેન આચાર્યે નર્મદાના દુધઈ બ્રાન્ચ કેનાલના બાકીના ૪૫ કિલોમીટરના ટેન્ડર અને હાઈકન્ટુર સ્ટોરેજના કામો ઝડપથી કરાવવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ કચ્છમાં નર્મદાના કામોમાં જેટલું મોડું થાય છે એટલું મોંઘું થાય છે. હવે વિલંબ નહીં પોષાય એવી તાકીદ અધિકારીઓને કરી હોવાનું ડૉ. નીમાબેને જણાવ્યું હતું. કચ્છના નર્મદાના કેનાલના અને ભુજોડી, ભચાઉના અટવાયેલા કામો સહિતના મામલે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ કચ્છની ખાસ મુલકાત માટે પણ સૂચના આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો, આગામી 6 દિવસ અતિ ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: જો જુલાઇના મધ્યભાગ સુધી વરસાદ નહીં આવે તો? કચ્છમાં જળસંકટની ચિંતા?












