ગુજરાત પર માવઠાનો કહેર ચાલુ: 5 દિવસ સુધી ભારે વરસાદ, ત્રણ નિષ્ણાતોની મોટી ચેતવણી

અમદાવાદ, 28 ઓક્ટોબર 2025: ગુજરાત પર માવઠું હજુ પીછો નથી છોડતું. છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ વધી છે અને હવે ત્રણ હવામાન નિષ્ણાતોએ આગામી 5 દિવસ માટે મોટી આગાહી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD), અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંત ડો.ચિરાગ શાહ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ભીતિ વ્યક્ત કરી છે, જેના કારણે ક્યાંક-ક્યાંક પૂર આવી શકે છે. આ વાવાઝોડું ‘મોન્થા’ના અવશેષો અને બંગાળની ખાડીમાંથી આવતા નિમ્નચાપ વાવાઝોડાના પ્રભાવને કારણે છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જોખમ છે. વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. IMDએ આ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યો છે, જ્યાં 200 mmથી વધુ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું, “આગામી 48 કલાકમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.” નદીઓ છલકાઈ જવાની સંભાવના છે.
દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ભીતિ છે. અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. મનોરમા મોહંતીએ આગાહી કરી કે, “પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં માવઠું ભુક્કા બોલાવશે, ખેતરો અને રસ્તા ડૂબી જશે.” મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, ખેડા અને દાહોદમાં માવઠું મુસીબત બની શકે છે. અહીં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
IMDએ 4થી 8 નવેમ્બરે ફરી હળવો વરસાદની આગાહી કરી છે. તંત્રે NDRF-SDRF ટીમો તૈનાત કરી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ થઈ છે. ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે પાકનું નુકસાન થઈ શકે છે. લોકોને નદી-નાળાની નજીક ન જવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો: કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના












