લેપટોપ, કોમ્પ્યુટરની આયાતને લઈને લીધેલા નિર્ણયને સરકારે બદલ્યો, જાણો શું ફેરફાર કર્યા
- લેપટોપ-કોમ્પ્યુટરને લઈને વધુ એક મોટો નિર્ણય
- ગુરુવારે કહ્યું,લેપટોપ-કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ
- સરકારે બે જ દિવસમાં બદલ્યો નિર્ણય
ભારત સરકારે ગુરુવારે લેપટોપ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે.આવી સ્થિતિમાં, હવે કોઈપણ એકમ અથવા કંપનીએ ભારતમાં લેપટોપ અને કમ્પ્યુટર લાવવા અને વેચવા માટે અરજી કરવી પડશે અને માન્ય લાઇસન્સ મેળવવું પડશે.કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,કેન્દ્ર સરકાર દ્વારા હવે આ નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવ્યો છે અને નવા ધારાધોરણોને અનુરૂપ થવા માટે હિતધારકોને વધુ સમય આપવા માટે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 31 ઓક્ટોબર, 2023 સુધી લાયસન્સ વિના આયાત માટે પ્રતિબંધિત માલસામાનને મંજૂરી આપી શકાય છે. પરંતુ 1 નવેમ્બર પછી આવી વસ્તુઓની આયાત કરવા માટે માન્ય લાયસન્સ જરૂરી બનશે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3 આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, જાણો હાલની સ્થિતિ
સરકારનો મેક ઇન ઇન્ડિયા પર ભાર
અત્યાર સુધી HSN 8741 હેઠળ લેપટોપ-ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર અને અન્ય સામાનની આયાત કરવી સરળ હતી. જોકે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પર ભાર મુકતા તેમની આયાત માટે લાયસન્સ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ તેને ચીન માટે એક ફટકો પણ ગણી શકાય કારણ કે ત્યાંનું ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ ઘણું મોટું છે અને આવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચતી તમામ મોટી કંપનીઓ માત્ર ચીન જેવા દેશોમાંથી જ ભારતને સપ્લાય કરે છે.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ આયાત
છેલ્લા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ આયાત $19.7 બિલિયન રહી હતી. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 6.25 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અલી અખ્તર જાફરી જેવા ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે, આ પગલું સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો : ગુજરાતી ‘ભાઈ’ અને ‘બેન’ માટે પાસપોર્ટ બનાવવો મુશ્કેલ બની રહ્યો છે! જાણો કેમ?