ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ચીન સાથે થઈ રમત! જે એરપોર્ટને બનાવવામાં મદદ કરી, તે શ્રીલંકાએ ભારતને સોંપ્યું

  • ભારતને શ્રીલંકાના મટાલા રાજપક્ષે ઈન્ટરનેશનલ એરપોર્ટની જવાબદારી મળી 
  • આ એરપોર્ટ બનાવવા માટે ચીન દ્વારા શ્રીલંકાને કરવામાં આવી હતી આર્થિક મદદ 

નવી દિલ્હી, 27 એપ્રિલ: શ્રીલંકાના હંબનટોટામાં આવેલા મટાલા રાજપક્ષ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન હવે ભારતીય અને રશિયન કંપનીને સોંપવામાં આવ્યું છે. શ્રીલંકાના કેબિનેટે શુક્રવારે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણયને ચીન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ માટે ચીને ખુદ શ્રીલંકાને આર્થિક મદદ કરી હતી.

ભારતીય અને રશિયન કંપનીને નિયંત્રણ સોંપવામાં આવ્યું 

શ્રીલંકાની સરકારના પ્રવક્તા અને મંત્રી બંડુલા ગનવાર્ડેનાએ જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં આ પ્રોજેક્ટ માટે ઈચ્છા પત્ર મંગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જે પછી કેબિનેટની સલાહકાર સમિતિએ મટાલા રાજપક્ષ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન 30 વર્ષ માટે ભારતની શૌર્ય એરોનોટિક્સ (પ્રાઇવેટ) લિમિટેડ અને રશિયાની રિજન્સ મેનેજમેન્ટ કંપનીને સોંપ્યું છે.

એરપોર્ટ બનાવવામાં ચીને કરી હતી મદદ 

ઉલ્લેખનીય છે કે, ચીને આ એરપોર્ટ બનાવવા માટે શ્રીલંકાને આર્થિક મદદ કરી હતી. જોકે, તે અજગરનું મોટું કાવતરું હોવાનું બહાર આવ્યું હતું. હકીકતમાં ચીને આ પ્રોજેક્ટ માટે ખૂબ ઊંચા વ્યાજ દરે લોન આપી હતી.

ચીનની એક્ઝિમ બેંકે લગભગ 190 મિલિયન ડોલરની રકમ આપી હતી. ઘણા નિષ્ણાતોએ ચીન પર આરોપ લગાવ્યો હતો કે, આ પ્રોજેક્ટ દ્વારા તેણે શ્રીલંકાને વધુ એક મોટી દેવાની જાળમાં ફસાવી દીધું છે.

એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યું છે!

મહત્ત્વપૂર્ણ છે કે, આ એરપોર્ટ 209 મિલિયન યુએસ ડોલરના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ફ્લાઈટ્સના અભાવને કારણે, એરપોર્ટને નુકસાન થઈ રહ્યું હતું અને તેને વિશ્વના સૌથી ખાલી એરપોર્ટ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. 2016થી, શ્રીલંકાની સરકાર એરપોર્ટનું સંચાલન કરવા માટે ભાગીદારોની શોધમાં હતી, જે હવે ભારતીય કંપનીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.

મટાલા એરપોર્ટનું નામ ભૂતપૂર્વ પ્રમુખ મહિન્દા રાજપક્ષ પરથી રાખવામાં આવ્યું હતું. આ એરપોર્ટ રાજપક્ષના લગભગ એક દાયકા લાંબા શાસનના મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સમાંનું એક હતું.

આ પણ જુઓ: દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હડકંપ મચ્યો, CISFને મળ્યો ઈ-મેલ

Back to top button