ગુજરાત સહિત લોકસભાની 94 બેઠકો પર ત્રીજા તબક્કાના મતદાન માટે આજે જાહેર થશે ચૂંટણી નોટિફિકેશન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી. નડ્ડાકરશે ચૂંટણી પ્રચાર
- ગુજરાત સહિત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા તબક્કામાં થશે મતદાન
નવી દિલ્હી, 12 એપ્રિલ: ગુજરાત સહિત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 94 બેઠકો માટે આજે શુક્રવારે ચૂંટણી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. જેમાં 19મી એપ્રિલ સુધી નામાંકન કરી શકાશે અને સબમિટ કરાયેલા ફોર્મની 20મી એપ્રિલે ચકાસણી કરવામાં આવશે. મધ્યપ્રદેશના બેતુલની મુલતવી રાખવામાં આવેલી ચૂંટણીઓ માટે અલગથી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો, આસામની 14, ઉત્તર પ્રદેશની 10, બિહારની પાંચ, છત્તીસગઢની 7, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને મધ્યપ્રદેશની 8 બેઠકોનો સમાવેશ થાય છે.
પીએમ મોદી એક જ દિવસમાં ત્રણ જગ્યાએ કરશે પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તોફાની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે શુક્રવારે વડાપ્રધાન મોદી ત્રણ રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે. બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર પીએમ મોદી જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ભાજપની ચૂંટણી રેલીઓમાં પીએમ મોદી સવારે 11 વાગ્યે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જનતાને સંબોધિત કરશે. આ પછી, રાજસ્થાનના બાડમેરમાં બપોરે 2.15 વાગ્યે એક જાહેર સભાનો પ્રસ્તાવ છે. રાજસ્થાનમાં જ વધુ એક રાજકીય કાર્યક્રમ યોજાશે, જ્યારે પીએમ મોદી દૌસામાં રોડ શોમાં ભાગ લેશે અને સ્થાનિક લોકોનું અભિવાદન સ્વીકારશે. શુક્રવારે લગભગ 4.45 કલાકે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાના ચૂંટણી કાર્યક્રમો
પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના મદુરાઈ લોકસભા ક્ષેત્રમાં રોડ શો કરશે. બીજેપી દ્વારા જણાવ્યા અનુસાર, આ રોડ શોનું આયોજન સાંજે 5.30 વાગ્યે પેરિયાર બસ સ્ટેન્ડથી શરૂ થશે. આ પહેલા અમિત શાહ યુપીના મુરાદાબાદ અને સંભલમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયામાં ચૂંટણી રેલી કરશે. બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નડ્ડા શુક્રવારે સાંજે લગભગ 4.50 વાગ્યે ગોંદિયા જિલ્લાના સર્કલ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરશે.