ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ પર ચૂંટણી પંચે આપ્યું નિવેદન

  • બે તબક્કા માટે મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ વિરોધ પક્ષોએ કરી ભારે ટીકા

નવી દિલ્હી, 4 મે: લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ અંગે વિરોધ પક્ષોની ટીકાનો સામનો કરી રહેલા ચૂંટણી પંચે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે આ મુદ્દે નિવેદન જારી કરીને કહ્યું છે કે, “તે મતદાનના આંકડા સમયસર જાહેર કરવાને વધારે મહત્ત્વ આપે છે. EC મતદારોની ભાગીદારી વધારવા માટે પહેલ કરી રહી છે.” કમિશન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક મતદાન મથક પર આવતા મતદારોની સંખ્યા ફોર્મ 17Cમાં નોંધવામાં આવે છે. પારદર્શિતા માટે, પ્રિસાઇડિંગ ઓફિસર અને તમામ હાજર પોલિંગ એજન્ટો દ્વારા યોગ્ય રીતે સહી કરાયેલા ફોર્મ 17Cની નકલો હાજર તમામ પોલિંગ એજન્ટો સાથે શેર કરવામાં આવે છે.

કામકાજમાં ડિસ્ક્લોઝર અને પારદર્શિતા મહત્ત્વપૂર્ણ: ચૂંટણી પંચ 

ચૂંટણી પંચે નિવેદનમાં કહ્યું કે, આ રીતે માત્ર મતવિસ્તાર મુજબના મતદાનનો ડેટા જ નહીં પરંતુ બૂથ મુજબના મતદાનનો ડેટા પણ ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે, જે એક વૈધાનિક જરૂરિયાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પંચ મતદાનના દરેક તબક્કા પછી મતદાન ટકાવારીના ડેટાને સમયસર રિલીઝ કરવાને યોગ્ય મહત્ત્વ આપે છે. ચૂંટણી પંચે નિવેદનમાં કહ્યું છે કે, તેના કામકાજમાં ડિસ્ક્લોઝર અને પારદર્શિતા મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા નજીવા ઘટાડાને જોતા મતદારોની ભાગીદારી વધારવાની પહેલ તેજ કરી છે.

મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ કરી રહ્યું છે પ્રયાસ 

ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 66.14 ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં 66.71 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ 2019ની લોકસભા ચૂંટણી કરતાં સહેજ ઓછું છે. પંચના જણાવ્યા અનુસાર, તેણે પોતાનું તમામ ધ્યાન મતદારોની મતદાન ટકાવારી વધારવા પર કેન્દ્રિત કર્યું છે. મતદાન પ્રક્રિયાના બીજા તબક્કામાં કેટલાક મહાનગરોમાં મતદાનની ટકાવારીના સ્તરથી પંચ નિરાશ છે, જે ભારતના ઉચ્ચ તકનીકી શહેરોમાં ભારે ઉદાસીનતાનું સૂચક છે. આગામી તબક્કા પહેલા પંચ સંબંધિત શહેરોના વહીવટીતંત્ર સાથે સતત સંપર્ક જાળવી રાખશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 મેના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગરમી કોઈ મોટી ચિંતા નથી.

આ પણ જુઓ: ડુંગળીની નિકાસ પર 40% ડ્યૂટી લાદવાનો ભારત સરકારનો નિર્ણય

Back to top button