હું આતંકવાદી હોઉં એવો વ્યવહાર કેન્દ્ર સરકાર મારી સાથે કરે છેઃ કેજરીવાલ
- દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રએ તેમની સામે તમામ એજન્સીઓને એવી રીતે તૈનાત કરી છે કે જાણે તેઓ સૌથી મોટા આતંકવાદી હોય
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે તે તેમની સામે તમામ કેન્દ્રીય એજન્સીઓને એવી રીતે તૈનાત કરવામાં આવી છે કે સૌથી મોટો આતંકવાદી હું જ હોવ. વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર તેમની સરકારની યોજનાઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે.
કેન્દ્ર સરકાર દિલ્હીની યોજનાઓ રોકવાનો પ્રયાસ કરી રહી છે: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું, ‘કેન્દ્ર સરકાર દિલ્હીની યોજનાઓ રોકવાનો પ્રયાસ કરી રહી છે. અમે દિલ્હીમાં લોકોને રાશનની હોમ ડિલિવરીની સેવા આપવા માંગતા હતા પરંતુ કેન્દ્રએ તે નથી થવા દીધુ. પરંતુ ભગવાનની કૃપાથી અમે પંજાબમાં સરકાર બનાવી છે. શનિવારે હું પંજાબમાં જઈશ, જ્યાં અમે રાશનની હોમ ડિલિવરીની યોજના શરૂ કરીશું.
વધુમાં તેણે કહ્યું કે, ‘અખબારોમાં વાંચતા જ હશો કે કેજરીવાલને ED તરફથી નોટિસ, CBI તરફથી નોટિસ, દિલ્હી પોલીસ તરફથી નોટિસ મળી છે. તેઓએ તમામ એજન્સીઓને મારી સામે એવી રીતે ગોઠવી દીધી છે કે જાણે હું સૌથી મોટો આતંકવાદી હોઉં.’
કેજરીવાલે કહ્યું કે, ‘કેન્દ્ર મને ‘ભ્રષ્ટ’ ગણી રહી છે. શું હોસ્પિટલોમાં મફત સારવાર અને મફત વીજળી આપનાર ક્યારેય ભ્રષ્ટ હોઈ શકે?’ વધુમાં તેમણે કહ્યું કે, ‘તેઓ કહે છે કે હું ચોર છું. તમે મને કહો, બાળકોને મફત શિક્ષણ આપનાર વ્યક્તિ ચોર હોય કે સરકારી શાળાઓ બંધ કરાવનાર વ્યક્તિ?’
દિલ્હી કોર્ટે કેજરીવાલને હાજર થવા આદેશ કર્યો
ED દ્વારા વારંવાર મોકલવામાં આવેલા સમન્સ કેજરીવાલ દ્વારા પાલન ન કરવા પર EDએ દિલ્હીની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ પર દિલ્હીની એક કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે. EDએ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે 5 વખત સમન્સ મોકલ્યા હતા.
આ પણ વાંચો: EDની કાર્યવાહીમાં મોટો ઘટસ્ફોટ, હેમંત સોરેનના ઘરેથી જપ્ત કરાયેલી BMW ધીરજ સાહુની!