

75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આ ફેસ્ટિવલમાં ભારતને કેન્દ્રમાં રાખીને ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે. કારણકે આ વખતે ભારત ‘માર્ચે ડૂ સિનેમા’માં ‘કન્ટ્રી ઑફ ઓનર’ છે. આવું પહેલીવાર બન્યું છે કે, ‘કન્ટ્રી ઑફ ઓનર’નું સત્તાવાર રીતે કોઈ દેશને આમંત્રણ આપવામાં આવ્યું હોય. આ ફેસ્ટમાં ભારતને કન્ટેન્ટ હબ ઑફ ધ વર્લ્ડના રુપે રજૂ કરવામાં આવશે. આ સન્માન ભારતને ત્યારે આપવામાં આવ્યું છે જ્યારે ભારત અને ફ્રાંસ પોતાના રાજકીય સંબંધોની વર્ષગાંઠ મનાવી રહ્યું છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ધાટનના પહેલા દિવસે પારંપરિક પરિધાનમાં સજ્જ ભારતના સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં 11 સદસ્યીય ભારતીય પ્રતિનિધિમંડળની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. જેમાં દેશના સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, સંગીતકાર એ.આર.રહેમાન, સંગીતકાર રિકી કેજ, ગીતકાર પ્રસૂન જોશી, નિર્દેશક શેખર કપૂર સહિતના બોલીવુડના સિતારાઓ ‘કૂપેજ’ ફિલ્મની સ્ક્રીનિંગમાં સામેલ થવા રેડ કાર્પેટ પર જોવા મળ્યા.

કાન્સના રેડ કાર્પેટ પર બોલીવુડની સુંદરીઓ અને સ્ટાર્સનો જલવો જોવા મળ્યો. રેડ કાર્પેટ પર બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય, દિપીકા પાદુકોણ, તમન્ના ભાટિયા, ઉર્વશી રૌતેલા સાથે નવાઝુદ્દીન સિદ્દીકી, આર.માધવન, કમલ હસન પણ સ્ટનિંગ લુકમાં જોવા મળ્યા.

જેલેન્સ્કીના સંબોધન સાથે કાન્સની શરૂઆત
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીના સંબોધન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની શરૂઆત થઈ. ઉદ્ધાટન સમારહોમાં જેલેન્સ્કીએ સિનેમા અને રિયાલિટી વચ્ચેના સંબંધ વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે ફ્રાંસિસ ફોર્ડ કોપોલાની ‘એપોકૈલિપ્સ નાઉ’ અને ચાર્લી ચેપલિનની ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ જેવી ફિલ્મોને પ્રેરણારૂપ ગણાવી.