અમદાવાદમાં શાકભાજીના ભાવ વધ્યા, સામાન્ય વર્ગનું બજેટ ખોરવાયુ


- શાકભાજીના ભાવને કારણે મઘ્યમ વર્ગ પરેશાન
- નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી
- શિયાળામાં આ વખતે શાકભાજીના ભાવ વધ્યા
અમદાવાદમાં શાકભાજીના ભાવ વધ્યા છે. જેમાં સામાન્ય વર્ગનું બજેટ ખોરવાયુ છે. ત્યારે શિયાળામાં આ વખતે સ્વાદપ્રેમીઓને ઉંધીયાનો ચટાકો મોંઘો પડી શકે છે. કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા 10થી રૂપિયા 40નો વધારો થયો છે.
શાકભાજીના ભાવને કારણે મઘ્યમ વર્ગ પરેશાન
સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે. શાકભાજીના ભાવને કારણે મઘ્યમ વર્ગ પરેશાન છે. અમદાવાદમાં વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. ટામેટા અને ડુંગળી 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચા સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધારે છે.
નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી
મઘ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે. જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. સૂકા લસણની કિંમત પણ વધી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: ફેસબુક પર જાહેરાત જોઇને સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરની ખરીદી કરવા જતા ખેડૂતે રૂ.1.50 લાખ ગુમાવ્યા