ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને પરિવારને આવકથી વધુ સંપત્તિ કેસમાં રાહત


ઉત્તર પ્રદેશના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમના ભાઈ પ્રતીક યાદવને અપ્રમાણસર સંપત્તિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આજે એટલે કે સોમવારે, આ આરોપોની પ્રાથમિક તપાસ બંધ કરવા માટે CBI રિપોર્ટની નકલની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી.એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે સીબીઆઈના 2013ના ક્લોઝર રિપોર્ટને પણ મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા વિશ્વનાથ ચતુર્વેદીએ સીબીઆઈ દ્વારા કેસ બંધ કરવા માટે અરજી કરી હતી.

2013 માં જ આ કેસની તપાસ બંધ કરી દેવાઈ હતી
માહિતી અનુસાર, કેસમાં સુનાવણી દરમિયાન દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ 7 ઓગસ્ટ, 2013 ના રોજ આ આરોપોની તપાસ પહેલાથી જ બંધ કરી દીધી હતી, તેથી આ અરજીમાં કોઈ યોગ્યતા નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે નોંધ્યું હતું કે 1 માર્ચ, 2007 અને 13 ડિસેમ્બર, 2012ના ચુકાદાઓને પગલે સીબીઆઈએ 7 ઓગસ્ટ, 2013ના રોજ આ કેસમાં તેની પ્રાથમિક તપાસ બંધ કરી દીધી હતી. 8 ઓક્ટોબર, 2013ના રોજ સીવીસીને તેનો રિપોર્ટ પણ સુપરત કર્યો હતો. 2019 માં છ વર્ષ પછી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોઈ યોગ્યતા નથી અને તેથી તેને કાઢી નાખવામાં આવે છે.