ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમમાંથી બહાર થઈ શકે છે આ ટોપ બેટ્સમેન, જાણો શું છે કારણ ?


ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમે હવે તેમની સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. પરંતુ આ સીરીઝ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને હવે ODI શ્રેણીમાંથી પણ બહાર કરવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં શ્રેયસે બેટિંગ કરી ન હતી. અમદાવાદ ટેસ્ટમાં સતત બે દિવસ ફિલ્ડિંગ કર્યા બાદ શ્રેયસે તેની પીઠના નીચેના ભાગમાં સોજાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન તેણે એક ઓવર પણ નાખી હતી.
‘મને નથી લાગતું કે શ્રેયસ ઠીક છે’
હાલમાં, શ્રેયસ ઐયર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ESPN cricinfo અનુસાર, શ્રેયસ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચોથી ટેસ્ટ બાદ શ્રેયસ અય્યરની ઈજા વિશે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે શ્રેયસ ઠીક છે. આ કમનસીબ છે.’ બીસીસીઆઈએ સોમવારે (13 માર્ચ) એક નિવેદન જારી કરીને કહ્યું કે, “શ્રેયસની ઈજા અંગે વિશેષજ્ઞનો અભિપ્રાય લેવામાં આવશે.” જો શ્રેયસ ODI શ્રેણીમાંથી બહાર થઈ જાય છે તો તેના સ્થાને રજત પાટીદાર અથવા રાહુલ ત્રિપાઠીને ટીમમાં સામેલ કરી શકાય છે.
IPLમાં કોલકાતાની ટીમનું ટેન્શન વધ્યું
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન પણ 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. શ્રેયસ અય્યર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં આ ટીમ માટે પણ ટેન્શનનો વિષય છે. જો શ્રેયસની ઈજા ગંભીર હશે તો તેને આઈપીએલની શરૂઆતની મેચોમાંથી બહાર થવું પડી શકે છે. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરની આ ઈજા પણ ચિંતાજનક છે કારણ કે તે વારંવાર ઉભરી રહી છે. અગાઉ, ડિસેમ્બર 2022 ના બાંગ્લાદેશ પ્રવાસ પર, શ્રેયસને આવી જ સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. ત્યાર બાદ તેને ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું.