15 મે, નવી દિલ્હી: ટેબલ ટેનીસ ખેલાડી મોનિકા બત્રાએ ઈતિહાસ રચી દીધો છે. બત્રાએ પોતાની કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી લીધું છે. મંગળવારે ITTF ના નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં બત્રા વિશ્વની ટોચની 25 ટેબલ ટેનીસ ખેલાડીઓમાં સામેલ થઇ ગઈ હતી.
આ સાથે મોનિકા બત્રાએ શ્રીજા અકુલા પાસેથી ભારતની નંબર વન ટેબલ ટેનીસ ખેલાડીનું સ્થાન પણ ખૂંચવી લીધું છે. મોનિકાના રેન્કિંગમાં સુધારો સાઉદી સ્મેશ 2024 ટુર્નામેન્ટમાં કરેલા અદ્ભુત પ્રદર્શનને લીધે આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં મોનિકાએ ઘણી બધી ટોપ રેન્કિંગ ખેલાડીઓને હરાવી હતી. મોનિકાએ 32માં રાઉન્ડમાં વર્લ્ડ નંબર 2 વાંગ મન્યુને હરાવીને તમામને ચોંકાવી દીધા હતા.
ત્યારબાદ 16માં રાઉન્ડમાં મોનિકાએ વર્લ્ડ નંબર 14 જર્મનીની નીના મિત્તેલહમને હરાવી અને આ રીતે તેણે તેની સામે પોતાની કરિયરની પ્રથમ જીત પણ મેળવી હતી.
પોતાનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યા બાદ મોનિકા બત્રાનું કહેવું હતું કે, ‘વાંગ મન્યુ વિરુદ્ધ જીતવું મારી સિંગલ્સની કરિયર માટે ખૂબ મોટી સિદ્ધિ હતી. હું મારા કોચ અમન બાલગુ અને ટ્રેનર્સ સાથે ખૂબ મહેનત કરી રહી હતી. હું મારી મહેનતથી ખુશ છું કારણકે આ કોઈ એક દિવસનું કામ નથી. તમારે દિવસો, મહિનાઓ અને વર્ષો સુધી કઠીન મહેનત કરવી પડતી હોય છે. મને ખુશી છે કે મને ટ્રેનીગ દરમ્યાન પણ ખૂબ મદદ મળી છે, હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને સાથ આપ્યો અને મારા ઉપર વિશ્વાસ મુક્યો છે.
આ સાથે મોનિકા બત્રા વિશ્વની ટોચની 25 મહિલા ટેબલ ટેનીસ પ્લેયર્સમાં એક માત્ર ભારતીય બની ગઈ છે. તેણે 2019માં પણ જી સત્યન દ્વારા મેળવવામાં આવેલા 24માં ક્રમાંકની બરોબરી કરી છે જે સિંગલ્સમાં કોઇપણ ભારતીય દ્વારા મેળવવામાં આવેલો સર્વોચ્ચ રેન્ક છે.
ઓલિમ્પિક મેડલ વિનર વાંગ મન્યુ તેમજ નીના મિત્તેલહમ પર વિજય મેળવીને મોનિકા બત્રા સાઉદી સ્મેશની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ છેવટે તે વર્લ્ડ નંબર 5 જાપાનની નીના હયાતા સામે હારી ગઈ હતી.
ભારતની અન્ય મહિલા ટેબલ ટેનીસ ખેલાડીઓના રેન્કિંગમાં પણ સુધારો આવ્યો છે. જો કે આ સુધારો ડબલ્સની ખેલાડીઓના રેન્કિંગમાં આવ્યો છે. સુતીર્થા મુખરજી અને અયહિકા મુખરજી એક સ્થાન ઉપર જઈને 13માં નંબરે છે. જ્યારે પુરુષ ડબલ્સમાં ઠક્કર અને માનુષ શાહ ત્રણ સ્થાન નીચે આવીને 15માં સ્થાને છે. મિક્સ્ડ ડબલ્સમાં મનીકા અને સત્યન એક સ્થાન નીચે આવીને 24માં નંબરે છે.