ટ્રેન્ડિંગવિશેષસ્પોર્ટસ

79 દિવસ પહેલા ઓલિમ્પિક મશાલ ફ્રાંસ પહોંચી; ભવ્ય સ્વાગત થયું

10 મે, માર્સેલ: બુધવારે ઓલિમ્પિક મશાલ ફ્રાંસના માર્સેલમાં આવી પહોંચી હતી. આ મશાલને 19મી સદીના એક જહાજમાં લાવવામાં આવી હતી. જ્યારે માર્સેના જૂના પોર્ટ ઉપર આ મશાલનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અહીં દોઢ લાખથી પણ વધુ દર્શકો હાજર હતા. આ મશાલને દક્ષિણ ફ્રાંસમાં ગ્રીસથી સમુદ્ર માર્ગે લાવવામાં આવી હતી. આ મશાલ ફ્રાંસમાં ઓલિમ્પિક્સ 2024ને શરુ થવાને બરાબર 79 દિવસ અગાઉ લાવવામાં આવી છે.

મશાલ લાવનાર જહાજ સાથે અસંખ્ય નાનીમોટી બોટ્સ તેની સાથે પોર્ટ પર પહોંચી હતી અને પોર્ટ પર આવી પહોંચવાની સાથે જ ફ્રેંચ એરફોર્સે ફ્રાંસના રાષ્ટ્રધ્વજના રંગ લાલ, સફેદ અને બ્લુ કલરના ધુમાડા કાઢીને તેનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત અહીં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.

ગ્રીસથી માર્સે પહોંચવામાં મશાલને 12 દિવસ લાગ્યા હતા. ગ્રીસના ઓલમ્પિયામાં 16મી એપ્રિલે પરંપરાગત રીતે આ મશાલને પ્રગટાવવામાં આવી હતી. ગ્રીસમાં ફ્રાંસના ઓલિમ્પિક ગોડલ મેડલ વિજેતા ફ્લોરેં મનાઉંદોએ મશાલને જહાજ સુધી પહોંચાડી હતી.

ત્યારબાદ આ મશાલને પેરાલિમ્પિક દોડવીર નાનતેન કેઈટાને પાસ કરવામાં આવી હતી. હવે આ મશાલ સમગ્ર ફ્રાંસમાં તેમજ અન્ય દેશોમાં 12,000 કિલોમીટરનું કાપશે. પેરીસ ઓલિમ્પિક્સના આયોજકો માટે આ મશાલનું આવવું અત્યંત મહત્વનું છે કારણકે જે રીતે આ મશાલનું ફ્રેંચ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે તે  હિસાબે આવનારી ઓલિમ્પિક્સ વિશે તેમનો ઉત્સાહ જોવા મળે છે અને તેને કારણે ટીકીટોની વેચાણ પણ વધશે તેવી તેઓ આશા રાખી રહ્યા છે.

જો કે હાલના સમયમાં ફ્રાંસ અને ખાસ કરીને પેરીસમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી તેને જોતાં આયોજકો માટે સુરક્ષાના પ્રબંધનની આ પ્રથમ કસોટી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલમેક્રોંએ આ અભૂતપૂર્વ સુરક્ષા પ્રયાસને વધાવી લેતાં જણાવ્યું હતું કે આવનારી ઓલિમ્પિક્સ ફ્રાંસના લોકોને એકબીજાની નજીક લાવશે.

મેક્રોંએ આ પ્રસંગે ભાષણ આપતાં જણાવ્યું હતું કે, ‘હું મારા દેશવાસીઓને એ જણાવવા માંગું છું કે તેઓ આ ઓલિમ્પિક્સથી એ બાબતની કલ્પના કરે કે આ એકતાની ક્ષણ છે અને આપણે આ એકતા જાળવી રાખવા માટે સદાય તૈયાર રહીશું અને આપણને તે બાબતે ગર્વ પણ થશે.’

ઓલિમ્પિક મશાલ ફ્રાંસ અને અન્ય દેશોનો પ્રવાસ કરીને પેરીસ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય સ્ટેડિયમમાં આવી પહોંચશે.

Back to top button