T20 વર્લ્ડકપટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પીએમ મોદીને મળશે, અહીં જાણો કાર્યક્રમ

  • ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે સવારે T20 વર્લ્ડ કપ સાથે ભારત પહોંચશે. આ પછી, સમગ્ર ટીમ માટે દિલ્હીમાં પીએમ મોદીને મળવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે

દિલ્હી, 3 જુલાઈ: T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ખરાબ હવામાનને કારણે બાર્બોડોસમાં ફસાઈ હતી. હવે હવામાનમાં સુધારો આવતા ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસથી ભારત આવવા માટે ઉડાન ભરી છે. T20 વિશ્વ કપ વિજેતા ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં જ ભારતની ધરતી પર પહોંચી જશે. કહેવાય છે કે BCCIએ ટીમ માટે એર ઈન્ડિયાની ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. આજે ફ્લાઈટ ભારતીય સમય અનુસાર લગભગ 1 વાગ્યે બાર્બાડોસથી ટેકઓફ થઈ છે અને ગુરુવારે સવારે ભારત પહોંચશે. ખાસ વાત એ છે કે અહીં આવ્યા બાદ સૌથી પહેલા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, તેનું શેડ્યૂલ હવે જાહેર કરવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયા બાર્બોડોસથી ભારત આવવા રવાના થઈ, જૂઓ વીડિયો:

ગુરુવારે સવારે ટ્રોફી સાથે ભારત પહોંચશે ટીમ ઈન્ડિયા

મળતી માહિતી મુજબ આખી ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી વિશેષ ફ્લાઈટ દ્વારા રવાના થઈ છે અને ગુરુવારે સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ સીધી દિલ્હી પહોંચશે. હવે પ્રાપ્ત માહિતી અનુસાર, PM મોદીનો ભારતીય ટીમને મળવાનો સમય સવારે 11 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે. પીએમ મોદી તમામ ભારતીય ખેલાડીઓને મળશે અને તેમના હાલચાલ પુછશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે દરેક ખેલાડીનું સન્માન પણ કરવામાં આવી શકે છે. આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ 29 જૂનની રાત્રે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પીએમ મોદીએ રાત્રે જ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા, જેનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો હતો. એટલું જ નહીં તેમણે ભારતીય ખેલાડીઓ સાથે ફોન પર વાત પણ કરી હતી, પરંતુ હવે રૂબરૂ મુલાકાત થશે.

 

મુંબઈમાં ટીમ કરી શકે છે ખુલ્લી બસમાં રોડ શો

અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના આગળના શેડ્યૂલ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીને મળ્યા પછી ટીમ ઈન્ડિયા સીધી મુંબઈ જવા રવાના થશે. આ પછી, મુંબઈમાં એક ખુલ્લી બસમાં રોડ શો કરશે, જેમાં ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોવા મળશે. આમાં દેશવાસીઓ તેમને જોઈ શકશે અને તેમને પ્રોત્સાહિત કરવાનો મોકો પણ મળશે. ટીમ ઈન્ડિયાએ લગભગ 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી છે. જો આપણે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો આ ટ્રોફી લગભગ 17 વર્ષ પછી ફરી એકવાર ભારત આવી રહી છે. આનાથી વધુ રસપ્રદ અને રોમાંચક ક્ષણ કઈ હોઈ શકે? ટીમ ઈન્ડિયા ભારતમાં ટ્રોફી સાથે થોડા જ કલાકોમાં જોવા મળી જશે.

આ પણ વાંચો: ICC T20 Rankings: હાર્દિક પંડ્યા બન્યો નંબર વન, ટોપ 10માં જબરજસ્ત ફેરફાર, જૂઓ અહીં લિસ્ટ

Back to top button