સુરેન્દ્રનગરઃ ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો પડ્યો, 2 વિદ્યાર્થી ઘાયલ

સુરેન્દ્રનગર, તા. 29 જુલાઈ, 2025: સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામમાં આવેલી એક શાળામાં આજે એક ગંભીર ઘટના બની હતી. ચાલુ ક્લાસરૂમ દરમિયાન અચાનક પંખો છત પરથી નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે શાળા અને વાલીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે છત પર લગાવેલો પંખો અચાનક છૂટો પડીને નીચે બેઠેલા વિદ્યાર્થીઓના માથા પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટના બનતા જ શાળા સ્ટાફ દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઇજાગ્ર્રસ્ત બંને વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાત્કાલિક વિરમગામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે, શાળામાં પંખા અને અન્ય માળખાકીય સુવિધાઓની જાળવણી યોગ્ય રીતે થતી નથી. આવી બેદરકારીના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાય છે. વાલીઓએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને શાળાઓમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2024માં, અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી AMC લાઇબ્રેરીમાં પંખો પડતા એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.
આ પણ વાંચોઃ VIDEO: ઓવલના પિચ ક્યુરેટર પર ભડક્યો ગંભીર, આંગળી બતાવીને કહ્યું..












