ગુજરાત

સુરતઃ ભત્રીજાએ કાકીને ફોન કરતાં કાકાએ ઠપકો આપતાં ધોરણ-10માં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Text To Speech

સુરતના કાપોદ્રામાં કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા ધોરણ-10ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું છે. વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં કાકાને ખોટી શંકા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વિદ્યાર્થીની સુસાઈડ નોટ મળી
મૂળ ભાવનગરના અને હાલ નાના વરાછામાં પશુપતિનાથ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મકવાણા મંદિર બનાવવાનું કામ કરે છે. તેમના 16 વર્ષના પુત્ર મૌનિકે હાલમાં જ ધો- 10ની પરીક્ષા આપી હતી. જો કે શનિવારે મૌનિક ઘરના રસોડમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ હાલતમાં મળી આવ્યો હતો. મૌનિકને સવારે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પરિવારના સભ્યોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને મૌનિકે લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

કાકાએ શંકા વ્યક્ત કરતાં આવું પગલું ભર્યું
મૌનિકે કાકાએ વ્યક્ત કરેલી શંકા ખોટી હોવાનો તેમજ તેના કારણે દુઃખ થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કાકાએ આપેલા ઠપકાના કારણે ખોટું લાગી આવતાં મૌનિકે આપઘાત કર્યો હોવાનું પણ સુસાઈડ નોટમાં હતું. મૌનિકને અન્ય એક ભાઈ અને એક બહેન છે. પીએસઆઈ કે. પી. ચાવડાએ જણાવ્યું હતું કે કાકાએ ખોટી શંકા વ્યક્ત કરી ઠપકો આપ્યો હતો. આમ, કાકાની વાતનું ખોટું લાગી આવતાં મૌનિકે પગલું ભર્યું છે.

 

Back to top button