સુરતમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: પુણાની હોટલ પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો, 2 મહિલાઓ મુક્ત, 2 ની ધરપકડ, 4 વોન્ટેડ

Surat Sex Racket Busted: સુરત શહેરમાં સ્પા અને હોટલોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલ પર દરોડો પાડીને ગેરકાયદેસર દેહ વ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ સફળ કામગીરીને કારણે 2 ભારતીય મહિલાઓને નર્કાગાર જેવી દલદલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં મોટી સફળતા મળી છે.
મોડી રાત્રે સ્વપ્ન સૃષ્ટી કોમ્પ્લેક્ષમાં ઓચિંતો દરોડો
મળતી માહિતી અનુસાર, પુણા પર્વત પાટીયા વિસ્તારમાં આવેલા સ્વપ્ન સૃષ્ટી કોમ્પ્લેક્ષના ત્રીજા માળે, એ/302 નંબરમાં ‘હોટલ લા’મોર’ નામની હોટલ કાર્યરત હતી. આ હોટલમાં ગ્રાહકોને બોલાવીને બહારથી લાવવામાં આવેલી મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો કરાવવામાં આવતો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસની ટીમે એક આયોજનબદ્ધ પ્લાન બનાવીને મોડી રાત્રે હોટલ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે હોટલની અંદર પ્રવેશી ત્યારે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રંગેહાથ પકડાઈ ગઈ હતી. હોટલમાંથી મળી આવેલી 2 મહિલાઓની આર્થિક મજબૂરીનો લાભ ઉઠાવીને તેમને આ ગંદા ધંધામાં ધકેલવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કમિશનના આધારે ચાલતું હતું આખું નેટવર્ક
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હોટલના મૂળ માલિકે પોતાની હોટલમાં એક સંચાલક રાખ્યો હતો. આ ઉપરાંત ગ્રાહકોને આકર્ષવા અને મહિલાઓને લાવવા-લઇ જવા માટે 4 જેટલા શખસો દલાલ તરીકે સક્રિય ભૂમિકા ભજવતા હતા. આ તમામ લોકો એકબીજાના મેળાપીપણામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલતા હતા અને તેમાંથી પોતાનું મોટું કમિશન કાપીને આ આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
સંચાલક અને ગ્રાહક ઝડપાયા
આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી વ્યાપક પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં પોલીસે રોકડા રૂપિયા 3,200, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા અંદાજે 26,000 ની કિંમતના કુલ 3 નંગ મોબાઈલ ફોન અને હોટલની બહાર પાર્ક કરેલી અંદાજે 67,000 ની કિંમતની 2 નંગ મોટર સાયકલ જપ્ત કરી છે. આ સાથે જ હોટલનું લાઇટબીલ, વેરાબીલ તેમજ હોટલ લાયસન્સની નકલો પણ તપાસ અર્થે કબ્જે લેવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 96,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી સ્પાના સંચાલક તરીકે કામ કરતા 26 વર્ષીય યુવક (મૂળ રહે. તાપી, કુકરમુન્ડા) અને પુણાગામ વિસ્તારના 47 વર્ષીય એક ગ્રાહક (મૂળ રહે. અમરેલી, લીલીયા) ને રંગેહાથ ઝડપી લેવાયા છે. જોકે, હોટલના મૂળ માલિક અને અન્ય 3 દલાલો સહિત કુલ 4 આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે તમામ ઇસમો વિરૂદ્ધ અનૈતિક વ્યાપાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પુણા પોલીસ સ્ટેશનને સોંપી છે.
આ પણ વાંચો: વસ્ત્રાલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક, આરોપી મેહુલ ડોડિયા ઝડપાયો; શહેરભરમાં ફટાકડા ફેક્ટરીઓ પર તવાઈ












