ગુજરાતટોપ ન્યૂઝ

વસ્ત્રાલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક, આરોપી મેહુલ ડોડિયા ઝડપાયો; શહેરભરમાં ફટાકડા ફેક્ટરીઓ પર તવાઈ

અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ અમદાવાદ પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક જ ક્ષણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટની ભયાનકતા સ્પષ્ટ જોવા મળે છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ, વિસ્ફોટ સમયે મેહુલ ડોડિયા ફેક્ટરીમાં હાજર હતો અને તેને પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાના તરત બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તપાસના આધારે મેહુલ ડોડિયા, તેની માતા અને ફેક્ટરી સંચાલક રમીલાબેન ડોડિયા તેમજ ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરી છે. રમીલાબેનને પણ વિસ્ફોટમાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના કાનના પડદાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં બહાર આવ્યું છે કે જે ફેક્ટરી અગાઉ બંધ કરાવવામાં આવી હતી તે છેલ્લા લગભગ 25 દિવસથી ફરી ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને મળેલા મોટા ઓર્ડરોને પૂર્ણ કરવા માટે દાહોદ જિલ્લામાંથી મજૂરો બોલાવીને મોટા પાયે ફટાકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ફેક્ટરી પાસે કોઈ કાયદેસર લાઇસન્સ કે જરૂરી મંજૂરી ન હોવા છતાં જોખમી રીતે ઉત્પાદન ચાલી રહ્યું હતું.

દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ કેનાલની સામે આવેલી અંદાજે 500 મીટર દૂરની ફેબ્રિકેશન ફેક્ટરીમાંથી મળ્યા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેબ્રિકેશન યુનિટના કાચ તૂટી ગયા, સમગ્ર બિલ્ડિંગ ધ્રુજી ઉઠ્યું અને ત્યાં કામ કરતા કર્મચારીઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા. વિસ્ફોટ બાદ સીસીટીવી સિસ્ટમ પણ બંધ થઈ ગઈ હતી.

આ સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ‘ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ’ના સંચાલકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ વિસ્ફોટક પદાર્થ સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે સુરક્ષા નિયમોની ઘોર અવગણના કરીને ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન ચલાવ્યું હતું, જેના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા.

બ્લાસ્ટ બાદ શહેર પોલીસ, ફાયર વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત રીતે શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. ગ્યાસપુર અને નારોલ વિસ્તારમાં ખુલ્લા ખેતરોમાં ચાલી રહેલી બે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીઓ સીલ કરવામાં આવી હતી અને ત્યાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરીને સુરક્ષિત રીતે નાશ કરવામાં આવી હતી.

આ ઉપરાંત 19 જુલાઈના રોજ ગ્યાસપુર વિસ્તારમાં વધુ એક ગેરકાયદેસર ફટાકડા એકમ ઝડપાયું હતું. ‘જોય એન્ડ એન્જોય વર્કર’ નામથી ચાલતી ફેક્ટરીને પણ AMC, પોલીસ અને ફાયર વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને સીલ કરી દીધી હતી. પોલીસ હાલ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે અને ગેરકાયદેસર ફટાકડાના ઉત્પાદન સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ ધપાવી રહી છે.

આ પણ વાંચો: પડધરીમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસનો ત્રીજો દિવસ, ગામેગામથી મળી રહ્યું છે જંગી સમર્થન

 

Back to top button