સુરત મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓની દારૂની મહેફિલમાં ભંગ, કોર્પોરેટરે પોલીસ બોલાવી
સુરત, 21 જૂન 2024, ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યાં છે. દારૂની હેરાફેરી સાથે હવે ડ્રગ્સની એન્ટ્રી પણ નવી નથી રહી. ત્યારે કાયદાનું પાલન કરાવનારાઓ જ કાયદાનો ભંગ કરી રહ્યાં હોવાનો દાખલો સુરતમાં જોવા મળ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હોવાનો એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો છે.આ વીડિયોમાં જોવા મળે છે કે, તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ રેડ પડતાં જ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ આરંભી છે.
જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા
સુરતના કતારગામમાં સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડમાં ગત રાત્રે મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા એક જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા હતા. આ મામલે તેણે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી. તરણકુંડના અધિકારી અને કર્મચારીઓ ઓફિસમાં બેસીને દારૂની મેહફિલ માંડી રહ્યા હતા અને સાથે ટી20 વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિક પહોંચીને તેમને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અધિકારીઓ અચાનક જ જાગૃત નાગરિકને વીડિયો બનાવતા જોઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો.
કોર્પોરેટરે પોલીસને જાણ કરતાં પોલીસ દોડતી થઈ
પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, દારૂની મહેફિલ કરી રહેલા અધિકારીઓ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે.આ સમગ્ર મામલે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું કે, મારા પર સાંજે 8:22 વાગ્યે ફોન આવ્યો કે, નરેન્દ્રભાઈ તમે અહીં આવો, અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે. જેથી તાત્કાલિક હું ઘટનાસ્થળે પહોંચ્યો જ્યાં જોયું તો બે લોકો ગેટ ઉપરથી કૂદી રહ્યા હતા. વીડિયોમાં બધા આવી ગયા છે. મને જાણ થતાં 100 નંબર પર ફોન કર્યો હતો. કોર્પોરેટરના કોલ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઇ-બાઈકમાં બ્લાસ્ટ, આગ લાગતાં ગેસનો બાટલો ફાટ્યો