ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઇ-બાઈકમાં બ્લાસ્ટ, આગ લાગતાં ગેસનો બાટલો ફાટ્યો

સુરત, 21 જૂન 2024, શહેરના લિંબાયત વિસ્તારમાં વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. વહેલી સવારે બે જબરદસ્ત ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ફ્લેટમાં રહેતા રહિશે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જ કરવા મુકી હતી. આ દરમિયાન બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આ આગ નજીકમાં પડેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચતા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટથી એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. પાંચ લોકોનો પરિવાર આ આગની ઝપેટમાં આવ્યો હતો. જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઈ ગઇ છે. જ્યારે અન્ય ચાર સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે એક યુવતીનું દાઝી જવાથી મોત નિપજ્યું છે.

બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સોસાયટીના પાર્કિંગમાં ઈ-બાઈક ચાર્જિંગ થતું હતું અને આખી રાત ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ઉપરના માળે પરિવાર સૂતો હતો. આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો. આથી આગ વિકરાળ બની હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી.બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બે ધડાકાના કારણે દુકાનની પાછળની દીવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો. સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. બે બ્લાસ્ટ અને આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાની સાથે ફસાયેલાને રેસ્ક્યૂ કર્યા હતા.

એક કલાક જેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો
મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા 3 વ્યક્તિ જેમાં એક મહિલા, એક બાળક અને એક દાઝી ગયેલ મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યૂ કર્યાં હતાં. બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાએ નીચે સીડી પરથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે દાઝી જવાથી તાકીદે ફાયર ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. ફાયર ઓફિસર ટંડેલે જણાવ્યું હતું કે, સવારે 5:30 વાગ્યાનો કોલ હતો. અમે પહોંચ્યા ત્યારે નીચે હાર્ડવેરની દુકાનમાં આગ લાગી હતી. પહેલા અને બીજા માળે રહેલા પાંચ જેટલા લોકોનું રેસ્ક્યૂ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા. એક કલાક જેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક ગેસ સિલિન્ડર ફાટેલી હાલતમાં મળ્યો હતો.

આ પણ વાંચોઃકારમાં AC ચાલુ કરીને સૂતા પહેલા ચેતજોઃ મહિસાગરની આ ઘટના જાણશો તો ચોંકી જશો

Back to top button