Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

નેતાજીની અસ્થિઓ ભારત લાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર: ‘ટાઇમિંગ’ પર ઉઠાવ્યા સવાલ, જાણો કોર્ટે શું કહ્યું?

નવી દિલ્હીઃ 12 માર્ચ, 2026: Shubhashchandra Bose: આઝાદ હિંદ ફોજના નાયક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની અસ્થિઓને જાપાનથી ભારત લાવવાનો મામલો ફરી એકવાર દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે હાલ આ મુદ્દે સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે અરજીના ‘ટાઇમિંગ’ અને વારસદારના હકને લઈને કરેલી ટિપ્પણીએ આ રહસ્યને ફરી ચર્ચામાં લાવી દીધું છે.

‘આ મુદ્દો કેટલી વાર કોર્ટમાં આવશે?’

નેતાજીના પ્રપૌત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચ સુનાવણી કરી રહી હતી. સુનાવણી શરૂ થતાની સાથે જ ચીફ જસ્ટિસે સવાલ કર્યો કે, “આ મુદ્દો કેટલી વાર અદાલત સામે આવશે?” તેમણે ઉમેર્યું કે નેતાજી દેશના મહાન નેતા હતા અને અમે તેમના બલિદાનને નમન કરીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે કે તેમના પરિવારના કેટલા સભ્યો આવી માંગણી લઈને આવશે?

અસ્થિઓની વિશ્વસનીયતા પર સવાલ

અદાલતે એક મોટી વાત એ પણ કહી કે આ અસ્થિઓની વિશ્વસનીયતા પર હંમેશા સવાલો ઉઠતા રહ્યા છે. સત્તાવાર રીતે હજુ સુધી એ સાબિત નથી થયું કે નેતાજીનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું હતું, તેથી કોઈ પણ નક્કર પુરાવા વિના આ અવશેષોને સ્વીકારવા મુશ્કેલ છે.

બીજી તરફ, અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ભારતના અનેક વડાપ્રધાનોએ જાપાનના રેંકોજી મંદિરમાં જઈને આ અવશેષોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે એમ પણ જણાવ્યું કે નેતાજીના એકમાત્ર વારસદાર અને તેમની પુત્રી અનિતા બોઝ પોતે આ સુનાવણીમાં ઓનલાઇન હાજર છે.

‘વારસદાર પોતે આવે તો જ થશે સુનાવણી’

જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું કે, “અમે પરિવારની લાગણીઓનું સન્માન કરીએ છીએ, પરંતુ યોગ્ય રહેશે કે નેતાજીના અસલી વારસદાર પોતે કોર્ટના દ્વાર ખખડાવે.” કોર્ટે ખાતરી આપી કે જો તેમની પુત્રી પોતે માંગણી કરશે, તો તેમની લાગણીઓ પર કાયદાકીય રીતે વિચાર કરવામાં આવશે.

ટાઇમિંગ પર ચીફ જસ્ટિસની કડક ટિપ્પણી

સૌથી વધુ ચર્ચા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એ ટિપ્પણીની થઈ રહી છે, જેમાં તેમણે અરજીના સમય પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “અમને ખબર છે કે આ અરજી અત્યારે જ કેમ દાખલ કરવામાં આવી છે. અમે તેની ટાઇમિંગ અને તેની પાછળના કારણોને સારી રીતે સમજીએ છીએ.” કોર્ટના આ કડક વલણને જોતા અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર ટોક્યોના રેંકોજી મંદિરથી અસ્થિઓ લાવવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે તેમની પુત્રી અનિતા બોઝ અંતિમ સંસ્કાર કરી શકતી નથી.

આ પણ વાંચોઃ ટાપુઓ મુદ્દે Iranનો આક્રમક વલણ, “અમારા ટાપુઓને અડશો તો પર્સિયન ગલ્ફમાં લોહીની નદીઓ વહેશે

આ પણ વાંચોઃ કુલદીપ યાદવના લગ્ન: મસૂરીમાં લેશે સાત ફેરા, એક પ્લેટ જમવાનો ખર્ચ ₹6000; જાણો કોણ છે દુલ્હન વંશિકા?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button