ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET મામલે સુપ્રીમ કોર્ટે NTAને પાઠવી નોટિસ, 8 જુલાઈ સુધીમાં માંગ્યો જવાબ

Text To Speech
  • SCએ NEET UGની પરીક્ષા રદ્દ કરવાનો અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કર્યો

નવી દિલ્હી, 11 જૂન: NEET મામલે સુપ્રીમ કોર્ટેમાં આજે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત, SCએ હાલમાં NEET UGની પરીક્ષા રદ્દ કરવાનો અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કર્યો છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે, તેથી અમારે NTAને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગવો પડશે. કોર્ટે આ મામલામાં કહ્યું કે, આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.

કાઉન્સેલિંગ પર કોઈ પ્રતિબંધ નહીં

સુપ્રીમ કોર્ટે કથિત પેપર લીકને કારણે NEET-UG 2024 પરીક્ષા રદ્દ કરવા અને ફરીથી યોજવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. આ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કરી હતી. એડવોકેટ જે.સાઈ. દીપકે NEET પરિણામને પડકારતી નવી અરજીનો ઉલ્લેખ કર્યો છે. જેના પર જસ્ટિસ વિક્રમનાથે તેમને રજિસ્ટ્રી સમક્ષ તેનો ઉલ્લેખ કરવા કહ્યું કે, તેને ચીફ જસ્ટિસ દ્વારા મોકલવામાં આવશે. વકીલે કહ્યું કે, કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે અને આને લગતી અરજી આજે લિસ્ટેડ છે. આના પર ન્યાયાધીશે પુનરોચ્ચાર કર્યો કે આ મામલો રજિસ્ટ્રી સમક્ષ રજૂ થવો જોઈએ

8મી જુલાઈ સુધીમાં જવાબ માંગવામાં આવ્યો

જસ્ટિસ વિક્રમનાથે સુનાવણી દરમિયાન પૂછ્યું કે, શું રજાઓ દરમિયાન કોઈ વરિષ્ઠ વકીલ નથી. આ અંગે અરજદારો વતી એડવોકેટ નેદુમ્પરાએ કહ્યું કે, “હું સિનિયર કાઉન્સિલ(વકીલ) તરીકે હોવા પર ઇનકાર કરું છું.” આ પછી જસ્ટિસ અસ્માનુલ્લાએ કહ્યું કે, પરીક્ષાની પવિત્રતા પ્રભાવિત થઈ છે, તેથી અમને પ્રતિવાદીઓના જવાબની જરૂર છે.” આના પર જસ્ટિસ નાથે કહ્યું કે, “નોટિસ જારી કરો, આ દરમિયાન NTA દ્વારા જવાબ દાખલ કરવામાં આવશે, હાલ કાઉન્સેલિંગ શરૂ થવા દો, અમે કાઉન્સેલિંગ પર રોક નથી લગાવી રહ્યા.” આ પછી કોર્ટે 8મી જુલાઈની તારીખ આપી હતી.

આ પણ જુઓ: રેલવે પર પીએમ મોદીનું કેમ છે પૂરું ફોક્સ? અશ્વિની વૈષ્ણવે મંત્રી પદ સંભાળતાની સાથે જ જણાવ્યું કારણ

Back to top button