લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડવાના કેસમાં આશીષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી
લખીમપુર ખેરી કેસમાં આશિષ મિશ્રાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. જેમાં આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડી નાખવાના કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા લાંબા સમયથી જેલમાં બંધ હતા.
આશિષ મિશ્રાના વચગાળાના જામીન મંજૂર
લખીમપુર ખેરી કેસમાં આશિષ મિશ્રાને સુપ્રિમ કોર્ટ દ્વારા મોટી રાહત આપવામા આવી છે. સુપ્રિમ કોર્ટેમાં આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ સૂર્યકાંત મિશ્રા અને જસ્ટિસ જે કે મહેશ્વરીની બેન્ચેઆજે આશિષ મિશ્રાને વચગાળાના જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમા સુપ્રિમ કોર્ટે આશિષ મિશ્રાને 8 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે.
સુપ્રિમ કોર્ટે આ શરતો રાખી
લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યા મામલે આરોપી આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયા માટે આશિષ મિશ્રાને શરતી જામીન આપ્યા છે. જામીન મળ્યાના એક અઠવાડિયાની અંદર આશિષ મિશ્રાને યુપી છોડીને જવું પડશે. અને વધુમાં સુપ્રિમ કોર્ટે કહ્યું, “તે ક્યાં રહેશે તેની સંપૂર્ણ વિગતો આપવી પડશે. તેમજ સાક્ષીઓને ધમકાવશે અથવા સુનાવણીને લટકાવવાના કિસ્સામાં આ જામીન નામંજૂર કરવામાં આવશે. તેમજ આશીષ મિશ્રા ટ્રાયલમાં મોડુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો પણ તેમના જામીન રદ કરવામાં આવશે. સાથે જ તેમણે પોતાના સ્થળના અધિકાર ક્ષેત્રના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે.
14 માર્ચે કેસની આગામી સુનાવણી થશે
સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસની જલ્દી સુનાવણી પુરી કરવા કહ્યુ છે. 14 માર્ચે કેસની આગામી સુનાવણી યોજાશે. આશીષ મિશ્રાના જામીન આગળ વધારવામાં આવે કે નહી તે સુપ્રીમ કોર્ટ 8 અઠવાડિયા પછી નક્કી કરશે.
જાણો શું હતો મામલો
3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુર ખેરીના ટીકુનિયામાં ખેડૂતો ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની રેલીનો વિરોધ કરી રહ્યા હતા.આ દરમિયાન હિંસામાં 8 લોકોના મોત થયા હતા. યુપી પોલીસની એફઆઈઆર મુજબ 4 ખેડૂતોને થાર એસયુવીએ કચડી નાખ્યા હતા. જેમાં આશિષ મિશ્રા પણ બેઠા હતા. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ એક ડ્રાઇવર અને ભાજપના બે કાર્યકરોને કથિત રીતે માર મારીને તેની હત્યા કરી નાખી હતી. જ્યારે આ ઘટનામાં એક પત્રકારે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેથી 6 ડિસેમ્બર, 2022 ના રોજ ટ્રાયલ કોર્ટે લખીમપુર ખેરી કેસમાં અજય મિશ્રા સહિત 13 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : ચાહકોને મળશે ડબલ ખુશી, પઠાણ સાથે સલમાનની આ ફિલ્મનું પણ ટીઝર થયું રિલીઝ, જુઓ વીડિયો