અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રવિવારે સાંજે ચૂંટણીનો પ્રચાર પડધમ શાંત થશે, જાણો મતદારો માટે કેવી સુવિધા ઉભી કરાઈ

અમદાવાદ, 4 મે 2024, ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મે ના રોજ મતદાન યોજાનાર છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર પ્રતિબદ્ધ છે.

ઍમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે
ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ હિટવેવને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરાશે. તમામ મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કિટ/ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ હશે. ઉપરાંત સન સ્ટ્રોકથી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેકટર ઓફિસર સાથે “મેડીકલ ટીમ” રહેશે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી મેડિકલ કોલેજ સહિતના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને ઍમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

આવતીકાલે સાંજથી પ્રચાર પડધમ શાંત થશે
ચૂંટણી અન્વયે સમગ્ર રાજ્યમાં મતદાન ફેસિલીટેશન સેન્ટર ઉપર વોટર ઓન ઈલેકશન ડ્યુટીના કર્મચારીઓ દ્વારા કુલ 2,23,052 પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે. બ્સન્ટી વોટર્સ કેટેગરીમાં 85 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 12,892 વરિષ્ઠ મતદારો તથા 3,038 દિવ્યાંગ મતદારોએ મતદાન કર્યું હતું.પી. ભારતીએ જણાવ્યું હતું કે,તારીખ 05 મે, 2024 ના સાંજના 6.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા,પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

કુલ રૂ. 928.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 8.12 કરોડ રોકડ, રૂ. 17.36 કરોડની કિંમતનો 5.75 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 118.72 કરોડની કિંમતનું 212.62 કિલો સોનું અને ચાંદી, રૂ. 703.47 કરોડની કિંમતના 862.10 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 80.97 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 928.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃમતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ પર ચૂંટણી પંચે આપ્યું નિવેદન

Back to top button