સરવેની આડમાં મતદારોની માહિતી લેવાનું બંધ કરોઃ તમામ પક્ષોને ચૂંટણીપંચનો આદેશ

- ચૂંટણી પંચે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે પક્ષો અને ઉમેદવારો સર્વેની આડમાં મતદારોની વિગતો માંગી રહ્યા છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ
- પંચે કહ્યું કે આ દ્વારા મતદારોને રજીસ્ટ્રેશન માટે આમંત્રિત કરવામાં આવે છે, જે એક પ્રકારની લાલચ છે
દિલ્હી, 2 મે: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી લડી રહેલા રાજકીય પક્ષોને એડવાઈઝરી જારી કરી છે. જારી કરવામાં આવેલી તેની એડવાઈઝરીમાં કમિશને સર્વેના નામે મતદારોને ચૂંટણી પછીની લાભ યોજનાઓ માટે પોતાને નોંધણી કરાવવાનું રોકવા માટે કડક સૂચના આપી છે. પંચનું માનવું છે કે આવા સર્વે મતદાનને પ્રભાવિત કરે છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આવી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવે છે કારણ કે તે ચૂંટણી કાયદા હેઠળ ભ્રષ્ટ પ્રથાની રચના કરે છે. સર્વેની આડમાં પક્ષો અને ઉમેદવારો મતદારોની વિગતો માંગી રહ્યા છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ.
પંચે કહ્યું કે આ દ્વારા મતદારોને રજીસ્ટ્રેશન માટે આમંત્રિત કરવામાં આવે છે, જે એક પ્રકારની લાલચ છે. આવા સંજોગોમાં ચૂંટણી પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોને જાહેરાત, સર્વે કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ચૂંટણી પછી લાભાર્થી-લક્ષી યોજનાઓ માટે નોંધણી કરાવતી કોઈપણ પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરવા અને અટકાવવા માટે સલાહ આપી છે.
ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં જે પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ કરવાની સૂચના આપવામાં આવી છે તે નીચે મુજબ છે:
- સમાચાર પત્રોમાં જાહેરાતો દ્વારા મતદારોને મોબાઇલ પર મિસ્ડ કોલ આપીને અથવા ટેલિફોન નંબર પર કૉલ કરીને લાભો માટે પોતાને નોંધણી કરવા માટે કહેવું.
- ગેરેંટી કાર્ડ માટે પેમ્ફલેટ દ્વારા વ્યક્તિગત લાભ ઇચ્છનારાઓની વિગતો જેમ કે નામ, ઉંમર, સરનામું, મોબાઇલ નંબર, બૂથ નંબર, મતવિસ્તારનું નામ અને નંબર વગેરે પૂછવું.
- મતદારોની માહિતી જેમ કે નામ, રેશન કાર્ડ નંબર, સરનામું, ફોન નંબર, બૂથ નંબર, બેંક એકાઉન્ટ નંબરની વિગત માંગતા ફોર્મનું વિતરણ કરવું.
- વેબ પ્લેટફોર્મ અથવા વેબ/મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા મતદારોની વિગતો જેમ કે નામ, સરનામું, ફોન નંબર, બૂથ નંબર, મતવિસ્તારના નામ અને નંબર વગેરેની વિગતો માંગવી.
- લોકો પાસેથી નામ, પતિ/પિતાનું નામ, સંપર્ક નંબર, સરનામું વગેરે સાથે તેમના દ્વારા લેવામાં આવતી લાભદાયી યોજનાઓ વિશે માહિતી એકત્રિત કરવી.
આ પણ વાંચો: ગુજરાતના પાંચ શહેરમાં 7મી મેએ મતદાન કરનારને ચૂંટણીપંચ આપશે આ વિશેષ સુવિધા