IT શેરોમાં જોરદાર તેજીથી સેન્સેક્સ 580 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,175ની ઉપર બંધ

Stock Market Today: ભારતીય શેરબજારે ગુરુવારે શાનદાર કમબેક કરતાં રોકાણકારોમાં ફરી ઉત્સાહ છવાયો હતો. સતત કેટલાક દિવસોથી ચાલતી અસ્થિરતા બાદ બજારમાં જોરદાર ખરીદી જોવા મળી. ખાસ કરીને IT શેરોમાં તેજી અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે BSE સેન્સેક્સ 579.48 પોઈન્ટના ઉછાળા સાથે 77,502.12 પર, જ્યારે NSE નિફ્ટી 169.85 પોઈન્ટ વધીને 24,175.70 પર બંધ થયો હતો.
IT શેરોએ બજારને આપી નવી ઊંચાઈ
આજના કારોબારમાં સૌથી વધુ તેજી IT સેક્ટરમાં જોવા મળી. સતત ચાર દિવસના ઘટાડા બાદ નિફ્ટી IT ઇન્ડેક્સ લગભગ 5% ઉછળ્યો હતો. મોટા IT શેરોમાં રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી. જેમાં ખાસ કરીને ઇન્ફોસિસ, HCL ટેક્નોલોજીઝ, TCS, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વમાં વધારો થયો હતો.
બીજી તરફ મેક્સ હેલ્થકેર, L&T, નેસ્લે, એક્સિસ બેંક અને ટાટા મોટર્સના શેરોમાં મર્યાદિત ઘટાડો નોંધાયો.
આજે બજારમાં તેજી આવવાના 3 મુખ્ય કારણો
1. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 1% ઘટીને 70.79 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા અને હોર્મુઝ જળમાર્ગ મારફતે સપ્લાય સામાન્ય રહેતાં તેલ સસ્તું બન્યું હતું. તેનાથી ભારત જેવી આયાત આધારિત અર્થવ્યવસ્થાને રાહત મળી હતી.
2. IT શેરોમાં વેલ્યૂ બાયિંગ
છેલ્લા કેટલાક દિવસોમાં IT શેરોમાં નોંધપાત્ર ઘટાડા બાદ રોકાણકારોએ નીચા ભાવે ખરીદી શરૂ કરી. પરિણામે સમગ્ર IT સેક્ટરમાં મજબૂત રિકવરી જોવા મળી અને બજારને મોટો ટેકો મળ્યો હતો.
3. રૂપિયો થયો મજબૂત
ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 26 પૈસા મજબૂત થઈને 84.90 પર પહોંચ્યો. ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ અને વૈશ્વિક બજારોમાં સ્થિરતાના કારણે રૂપિયામાં મજબૂતી આવી, જેના કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો.
અન્ય સેક્ટરોનું કેવું રહ્યું પ્રદર્શન?
IT સિવાય ઓટો, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ સેક્ટરમાં પણ લગભગ 1% સુધીનો વધારો નોંધાયો. જોકે કેપિટલ ગુડ્સ, પાવર, ટેલિકોમ અને PSU બેંક ઇન્ડેક્સમાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન મિડકેપ ઇન્ડેક્સ 0.5% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.2%ની તેજી સાથે બંધ થયા, જે દર્શાવે છે કે બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી.












