ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ચૂંટણી પરિણામો બાદ શેરબજાર ફરી ઊભું થયું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 5 જૂન: લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે મંગળવારે શેરબજારમાં મોટો ભૂકંપ આવ્યો હતો. દેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે બુધવારે શેરબજારમાં મોટી રિકવરી જોવા મળી છે. શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ફાયદા સાથે લીલા નિશાનમાં ખુલ્યા હતા. 11.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1700 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે.

શેરબજારે ફરી એકવાર તોફાની ગતિ પકડી

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ એક્ઝિટ પોલ અને રોકાણકારોની આશાઓ પર પાણી ફેરવતા શેરબજારમાં ગઈકાલે મંગળવારે કડાકા બાદ આજે શેરબજારમાં ઉછાળો નોંધાયો. મંગળવારે સેન્સેક્સમાં 6000 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 1900 પોઇન્ટ સુધી લપસી ગયો હતો. આજે બુધવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું અને શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 672.84 પોઈન્ટના ઉછાળા સાથે 72,751 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 170.20 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. શેરબજારમાં શરૂઆતી ઉછાળા પછી થોડો સમય વધઘટ જોવા મળી હતી, પરંતુ સવારે 11.30 વાગ્યા સુધીમાં શેરબજારે ફરી એકવાર તોફાની ગતિ પકડી હતી અને BSE સેન્સેક્સ 1,701.97 પોઈન્ટ્સના મજબૂત ઉછાળા સાથે 73,800.15ના સ્તરે હતો, જ્યારે NSE નિફ્ટી 530.85 પોઈન્ટથી વધીને 22,415.35 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં તેજી

બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ આજે 6.39 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સેગમેન્ટના શેરો 16 ટકા સુધી ઉછળ્યા છે. એફએમસીજી ઈન્ડેક્સમાં સામેલ કુલ 83 શેર્સમાંથી 73માં સુધારો અને 10માં ઘટાડો જોવા મળ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, ઈમામી લિ., જ્યોતિ લેબ્સ, ઝાયડસ વેલનેસ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. ઉલ્લેખનીય છે, ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં ઉપરાંત સાર્વત્રિક વેચવાલીના પ્રેશર વચ્ચે એક માત્ર એફએમસીજી શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.

આ પણ વાંચો..મતગણતરીના દિવસે શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ તૂટયો, નિફ્ટીને આંચકો

Back to top button