IND A vs SL A: રોમાંચક સુપર ઓવરમાં ઇન્ડિયા-એની હાર, શ્રીલંકાએ લીધો પાછલી હારનો બદલો

દાંબુલામાં રમાયેલી ટ્રાય-નેશન એ સિરીઝ 2026 (Tri-Nation A Series 2026) ની ચોથી મેચમાં ક્રિકેટપ્રેમીઓને હાઈ-વોલ્ટેજ ડ્રામા અને રોમાંચ જોવા મળ્યો છે. સદીરા સમરાવિક્રમાની શાનદાર બેટિંગ અને ત્યારબાદ સુપર ઓવરમાં ઉત્કૃષ્ટ બોલિંગના દમ પર શ્રીલંકા-એ ટીમે સોમવારે ઇન્ડિયા-એ ટીમને હરાવી દીધી છે. બંને ટીમોનો સ્કોર સરખો થવાને કારણે મેચ ટાઈ થઈ હતી, જે બાદ સુપર ઓવર દ્વારા મેચનું પરિણામ લાવવામાં આવ્યું હતું.
સુપર ઓવરમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 17 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વૈભવ સૂર્યવંશી અને સૂર્યાંશ શેડગેની ભારતીય જોડી માત્ર 10 રન જ બનાવી શકી હતી અને ભારતે આ મેચ ગુમાવવી પડી હતી.
મેચ હાઈલાઈટ્સ: છેલ્લી ઓવર સુધી શ્વાસ અધ્ધર કરનારો રોમાંચ
1. ભારત પર લાગી 10 રનની પેનલ્ટી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિયા-એ ટીમ 49.2 ઓવરમાં 265 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ મેચ દરમિયાન ભારતીય બેટર વિપ્રજ નિગમ પિચ પર બે વાર ‘ડેન્જર ઝોન’ (Danger Zone) માં દોડતો જોવા મળ્યો હતો, જેના કારણે અમ્પાયરોએ નિયમ મુજબ ઇન્ડિયા-એ પર 10 રનની પેનલ્ટી લગાવી દીધી હતી. આ પેનલ્ટીના કારણે શ્રીલંકાની ટીમને ઇનિંગ્સની શરૂઆત કરતા પહેલા જ મફતમાં 10 રન મળી ગયા હતા અને તેઓએ 10/0ના સ્કોરથી પોતાની બેટિંગ શરૂ કરી હતી.
2. ઇન્ડિયા-એ નું બેટિંગ પ્રદર્શન
ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર વૈભવ સૂર્યવંશી (21) તથા પ્રભસિમરન સિંહ (21) જલ્દી આઉટ થઈ ગયા હતા.
ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ (37) અને કેપ્ટન તિલક વર્માએ ઇનિંગને સંભાળી હતી.
મધ્યક્રમમાં સૂર્યાંશ શેડગેએ 66 બોલમાં 72 રન (3 ચોગ્ગા, 2 છગ્ગા) અને *વિપ્રજ નિગમે 49 બોલમાં 51 રન* ફટકારીને ભારતનો સ્કોર 265 સુધી પહોંચાડ્યો હતો.
શ્રીલંકા તરફથી મોહમ્મદ શિરાજ અને વિજયકાંત વિયાસકાંતે 3-3 વિકેટ ઝડપી હતી.
છેલ્લા બોલે મેચ ટાઈ અને સુપર ઓવરનો ડ્રામા
266 રનના લક્ષ્યાંક (પેનલ્ટી બાદ અસરકારક ટાર્ગેટ 256 રન) નો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ તરફથી સદીરા સમરાવિક્રમાએ 113 બોલમાં 93 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
છેલ્લી ઓવરનો રોમાંચ: શ્રીલંકા જીતની નજીક હતું ત્યારે છેલ્લી ઓવરના બીજા બોલે ભારતીય બોલર અર્શદ ખાને સમરાવિક્રમા (93)ને બોલ્ડ કરીને મેચમાં ભારતની વાપસી કરાવી હતી. ઓવરના અંતિમ બોલ પર શ્રીલંકાના બેટર ગુણારત્ને બીજો રન લેવાના ચક્કરમાં રનઆઉટ થઈ ગયા અને સ્કોર બરાબર થતાં મેચ ટાઈ થઈ હતી.
સુપર ઓવરનો હિસાબ-કિતાબ:
ભારત તરફથી સુપર ઓવર ફેંકવા આવેલા અર્શદ ખાને ભારે રન લૂટાવ્યા હતા અને શ્રીલંકાએ 16 રન બનાવી લીધા હતા. આ દરમિયાન કેપ્ટન તિલક વર્મા અમ્પાયરના નિર્ણયોથી નારાજ થઈને દલીલ કરતા પણ જોવા મળ્યા હતા. 17 રનના ટાર્ગેટ સામે ભારતની સુપર ઓવરની જોડી (વૈભવ અને સૂર્યાંશ) માત્ર 10 રન જ બનાવી શકી હતી.












