તહેવારોની સિઝનમાં ઘી ખાતા પહેલા ચેતજો! વેરાવળમાં નકલી ઘીના કારોબાર પર SOGનો સપાટો
તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે ગીર સોમનાથમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. SOGએ નકલી ઘીના ધંધા પર સકંજો કસ્યો છે.આ સાથે વેરાવળમાં ચેકિંગ ઝુંબેશમાં નકલી ઘીની બે ફેક્ટરીઓ મળી આવી છે. અહીં તપાસમાં એસઓજીએ 2.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉના બાદ હવે વેરાવળમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું
ગીર સોમનાથમાં નકલી ઘીનો કારોબાર ફુલીફાલી રહ્યો હોય તેવી સ્થિતી જણાય રહી છે. તાજેતરમાં જ ઉનામાં નકલી ઘીનું કારખાનું પકડાયું હતું ત્યારે આજે વેરાવળમાંથી શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું છે. તહેવારોની સીઝન નજીક આવતા ગીર સોમનાથ એસ.ઓ.જી.ની ટીમે દરોડોની કામગીરી શરૂ કરી હતી.જે અંતર્ગત ગતરોજ બુધવારે વેરાવળના ડારી ગામ અને વખારિયા બજારમાં દરોડા કરવામાં આવ્યા હતા.
કુલ રૂપિયા 2,34,205નો મુદ્દામાલ જપ્ત
વેરાવળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ચેકિંગ કામગીરીમાં પામ ઓઈલ, વનસ્પતિ ઘીના 121 શંકાસ્પદ કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ ડારી ગામે શ્યામ દીવાલ પેઢીમાંથી રૂ.1.44 લાખનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે,જ્યારે વેરાવળના વખારિયા બજારમાંથી રૂ.89,325નો માલ કબજે કરાયો છે. આમ કુલ રૂપિયા 2,34,205નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : BREAKING : ઓખાના દરિયામાં માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાઈ, 8લોકો ડૂબ્યા
બે શખ્સોની પકડી કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ અંગે જાણ કરી તેના નમૂના પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. આ સાથે બે શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તહેવાર પહેલા ભેળસેળીયાઓ બેફામ
તહેવારોની સિઝન પહેલા આવી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણથી લોકોના આરોગ્ય પર પણ માઠી અસર થઈ રહી છે. નકલી તેલ અને ઘી લોકોના સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે.ખાસ કરીને તહેવારોમાં આવી વસ્તુઓનું વેચાણ કરીને વેપારીઓ પૈસા કમાવવાની લાલચમાં હોય છે.
આ પણ વાંચો : રખેવાળ જ ચોર નિકળ્યો ! મંદિરના પૂજારીએ જ ભગવાનના આભૂષણો અને દાનની લાખો મતાની ચોરી કરી